ચિન્મય દાસને ચટગામની કોર્ટે એક મામલામાં જામીન આપી છે. પરંતુ તેઓને હજુપણ જેલમાં રહેવું પડશે.
ચિન્મય દાસની જામીન અરજી મંજૂર
ચટગામની કોર્ટે આધ્યાત્મિક નેતા અને ઇસ્કોનના ભૂતપૂર્વ પ્રવક્તા ચિન્મય દાસને એક મામલામાં જામીન આપી છે. પરંતુ અન્ય કેસની કાર્યવાહી ચાલી રહી હોવાના કારણે તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા નથી. ચિન્મય દાસ પર હત્યાનો આરોપ પણ છે. તેમના પર જમીનનો કબ્જો મેળવવો, લોકોને ધમકાવવાનો અને મારામારી કરવાના આરોપ લાગ્યા છે. ન્યાયિક મજિસ્ટ્રેટ શાખાવત હુસૈને ચુકાદો આપ્યો. કોર્ટના કર્મચારી મિઝાનુર રહેમાને જણાવ્યું કે, સુનાવણી બાદ ચિન્મયની જામીન અરજી મંજૂર કરવામાં આવી હતી.
વિવિધ કેસમાં કાર્યવાહી યથાવત્
જે કેસમાં તેમને જામીન આપવામાં આવ્યા હતા તે કેસ આવામી લીગના નેતા મીર મોહમ્મદ નાસિર ઉદ્દીન દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. ચિન્મય પર જમીન પચાવી પાડવા, ધમકી આપવા અને લોકો પર હુમલો કરવાનો આરોપ હતો. આ કેસ ચિન્મયના હાથાઝારી ઉપજિલ્લાના મેખાલ વિસ્તારનો છે. આ કેસ 2023 માં દાખલ કરવામાં આવ્યો હતો અને કુલ છ લોકોને આરોપી તરીકે નામ આપવામાં આવ્યા હતા. તપાસ બાદ, પોલીસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો.
હત્યા માટે ઉશ્કેરણીનો આરોપ
જોકે, ચિન્મય સામેના અન્ય કેસ હજુ પણ ચાલુ છે. આમાં સૌથી ગંભીર કેસ વકીલ સૈફુલ ઇસ્લામ અલિફની હત્યાનો છે. 26 નવેમ્બર, 2024 ના રોજ ચિન્મય કોર્ટની બહાર હિંસા દરમિયાન અલિફને માર મારવામાં આવ્યો હતો અને તીક્ષ્ણ હથિયારથી છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ ચાર્જશીટમાં જણાવાયું છે કે સમગ્ર ઘટના ચિન્મયની ઉશ્કેરણી પર બની હતી. રાજદ્રોહના કેસમાં ચિન્મયની જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. ફિરોઝ ખાન દ્વારા 31 ઓક્ટોબર, 2024 ના રોજ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ હતો કે ચિન્મય અને તેના સાથીઓએ 25 ઓક્ટોબરના રોજ ન્યુ માર્કેટ વિસ્તારમાં હિન્દુ સમુદાયની રેલી દરમિયાન રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું હતું.
વકીલની હત્યા કેવી રીતે કરાઇ ?
જામીન નકારાયા પછી, ચિન્મયના સમર્થકોએ જેલ વાનને રોકી દીધી હતી અને તેની મુક્તિની માંગણી સાથે વિરોધ શરૂ કર્યો હતો. જ્યારે પોલીસે ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો ત્યારે અથડામણ થઈ હતી. ચિન્મયના સમર્થકો, પોલીસ અને કેટલાક વકીલો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી, જેના પરિણામે આલિફની હત્યા થઈ હતી. ત્યારબાદ, પોલીસે તોડફોડ, પોલીસ પર હુમલો અને સરકારી કામમાં અવરોધ માટે વધુ ત્રણ કેસ દાખલ કર્યા હતા. આ કેસોમાં 79 લોકોના નામનો સમાવેશ થાય છે, અને આશરે 1,400 અજાણ્યા વ્યક્તિઓને પણ આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે. અલીફના પિતા જમાલે 31 લોકો વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો હતો, જ્યારે તેના ભાઈ ખાન-એ-આલમે 70 વકીલો સહિત 115 લોકો વિરુદ્ધ બીજો કેસ દાખલ કર્યો હતો.
આ પણ વાંચોઃ યુદ્ધની વચ્ચે હથિયારોના જથ્થા ખત્મ થતા અમેરિકાએ લીધો મહત્ત્વનો નિર્ણય, જાણો શું કહ્યુ?













