પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે એક સભા દરમિયાન પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર (PoK)ના વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરીને સહુને ચોંકાવી દીધા છે. મુઝફ્ફરાબાદમાં યોજાયેલી એક મોટો ચૂંટણી રેલીને સંબોધિત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે જો તેમની પાર્ટી 'પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ' (PML-N) સ્થાનિક ચૂંટણીમાં વિજયી બનશે, તો તેઓ વડાપ્રધાન શહબાઝ શરીફ પાસે પોતાની આ માંગણી મૂકશે.
PoKમાં હાલ પાકિસ્તાની સત્તા અને સેનાના દમણ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ગૃહયુદ્ધ જેવી બનેલી આ પરિસ્થિતિ વચ્ચે પાકિસ્તાની શાસકો દ્વારા નવો રાજકીય દાવ ખેલવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
PM નહીં બને તો પણ PoKનો પ્રવાસ કરશે
મંગળવારે મુઝફ્ફરાબાદમાં પોતાની પુત્રી અને પંજાબ પ્રોવિન્સના મુખ્યમંત્રી મરિયમ નવાઝ સાથે વિશાળ જનસભાને સંબોધતા નવાઝ શરીફે જણાવ્યું હતું કે:"જો PML-N પ્રાદેશિક ચૂંટણી જીતશે, તો હું વડાપ્રધાન શહબાઝ શરીફને કહીશ કે તેઓ મને PoKના PM બનાવે. પરંતુ જો હું PM નહીં પણ બનું, તો પણ દર ત્રણ મહિને મુઝફ્ફરાબાદ અને આસપાસના વિસ્તારોની મુલાકાત લઈશ જેથી પાર્ટીના ચૂંટણી ઢંઢેરાના અમલીકરણ અને વિકાસ કાર્યોની સમીક્ષા કરી શકાય."
નવાઝ શરીફે સ્થાનિકોને આશ્વાસન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો તેઓ પ્રદેશના મુખ્ય મુદ્દાઓ ઉકેલશે. તેમણે સ્થાનિક સંપર્ક સુધારવા માટે જેલમ નદીના કિનારે નવો રોડ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને PoKનું બજેટ વધારવાનું વચન પણ આપ્યું હતું—જોકે ખુદ પાકિસ્તાનની જ આર્થિક સ્થિતિ હાલ અત્યંત કથળેલી છે.
હિંસક વિરોધ વચ્ચે ત્રણ તબક્કામાં યોજાશે ચૂંટણી
PoKમાં ચાલી રહેલા ભારે જનઆક્રોશ અને સેના સાથેના સંઘર્ષને ધ્યાનમાં રાખીને ચૂંટણી શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કથિત વિધાનસભા ચૂંટણી હવે 10 ઓગસ્ટ સુધી ત્રણ તબક્કામાં પૂર્ણ થશે.અગાઉ આ મતદાન 27 જુલાઈના રોજ યોજાવાનું હતું, પરંતુ 'જૉઇન્ટ અવામી એક્શન કમિટી' (JAAC) દ્વારા શરણાર્થીઓ માટેની 12 બેઠક સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. પ્રદર્શનો દરમિયાન સેના અને પોલીસના ગોળીબારમાં અનેક નાગરિકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે.
ચૂંટણીનું નવું ટાઈમટેબલ:
27 જુલાઈ: મીરપુર ડિવિઝનની 13 બેઠકો પર મતદાન
2 ઓગસ્ટ: મુઝફ્ફરાબાદ ડિવિઝનની 9 બેઠકો અને શરણાર્થીઓ માટે અનામત 12 બેઠકો પર મતદાન
10 ઓગસ્ટ: પુંછ ડિવિઝનની 11 બેઠકો પર મતદાન
PoKની કથિત વિધાનસભામાં કુલ 53 બેઠકો છે, જેમાં 45 બેઠકો પર સીધી ચૂંટણી થાય છે અને 8 બેઠકો મહિલાઓ, ટેક્નોક્રેટ્સ તેમજ ધર્મગુરુઓ માટે અનામત રાખવામાં આવી છે.
ભારતે નોંધાવ્યો કડક વિરોધ
બીજી તરફ, ભારતે ગિલગિટ-બાલ્ટિસ્તાન અને PoKમાં પાકિસ્તાન દ્વારા ગેરકાયદેસર રીતે યોજાતી કોઈપણ ચૂંટણી પ્રક્રિયા સામે પોતાનો સખત વિરોધ નોંધાવ્યો છે.ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ શબ્દોમાં દોહરાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લડાખનો સમગ્ર પ્રદેશ (જેમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન અને PoKનો સમાવેશ થાય છે) ભારતનો અવિભાજ્ય અને અભિન્ન અંગ છે અને રહેશે. પાકિસ્તાન પાસે આ ભારતીય વિસ્તારો પર કોઈ અધિકાર નથી.
આ પણ વાંચો: Saudi Nuclear Deal: ટ્રમ્પે સાઉદી અરેબિયા સાથે ન્યુક્લિયર ડીલને આપી મંજૂરી, હવે વધશે પરમાણુ હથિયારોનું જોખમ