અમેરિકા અને ઈરાન વચ્ચેના ઐતિહાસિક કરાર બાદ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) ફરીથી ખોલી દેવામાં આવ્યો છે. આ સમાચારથી વૈશ્વિક બજારને ચોક્કસપણે રાહત મળી છે, પરંતુ દુનિયા હજુ પણ તેલના મોટા સંકટમાંથી સંપૂર્ણપણે બહાર આવી શકી નથી. નિષ્ણાતોના મતે, ભલે હાલમાં તેલનો પુરવઠો શરૂ થઈ રહ્યો છે, પરંતુ આગામી મહિનાઓમાં ક્રૂડ ઓઈલ (Crude Oil)ની કિંમતો ફરી એકવાર આસમાને પહોંચી શકે છે.
4 મહિનાના યુદ્ધમાં 1.15 અબજ બેરલ તેલની અછત
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ)માં છેલ્લા ચાર મહિનાથી ચાલી રહેલા તણાવ અને યુદ્ધના કારણે વૈશ્વિક તેલ સપ્લાય ચેઈનને જોરદાર ફટકો પડ્યો હતો. એનાલિટિક્સ કંપની 'Kpler'ના અહેવાલ મુજબ, આ ચાર મહિના દરમિયાન વૈશ્વિક બજારમાં કુલ 1.15 અબજ બેરલ તેલની અછત સર્જાઈ છે. આ વિક્ષેપને કારણે વૈશ્વિક તેલ બજાર પર અભૂતપૂર્વ દબાણ આવી ગયું છે.
આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી (IEA)ના જણાવ્યા અનુસાર, વિશ્વનો વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Petroleum Reserves) વર્ષ 1990 પછીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ખુદ અમેરિકાનો ઈમરજન્સી ઓઈલ રિઝર્વ પણ 43 વર્ષના સૌથી નીચલા સ્તરે છે. તાજેતરમાં યોજાયેલી G7 સમિટ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું કે જો હોર્મુઝ સ્ટ્રેટ સમયસર ન ખૂલ્યો હોત, તો દુનિયાનો તેલ ભંડાર માત્ર ચાર સપ્તાહમાં જ ખતમ થઈ ગયો હોત.
કિંમતો ફરી કેમ વધી શકે?
યુદ્ધ દરમિયાન બ્રન્ટ ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ $126.41 સુધી પહોંચી ગઈ હતી, જે અમેરિકા-ઈરાન ડીલ બાદ ઘટીને $80ની નીચે આવી ગઈ છે. આમ છતાં, તેલ સસ્તું થવાનો આ ટ્રેન્ડ લાંબો સમય નહીં ચાલે.
મોટું કારણ: છેલ્લા કેટલાક મહિનામાં વૈશ્વિક તેલ ભંડારમાંથી આશરે 19 કરોડ બેરલ તેલ ઓછું થયું છે. અમેરિકાના ઓક્લાહોમામાં આવેલા પ્રખ્યાત 'કુશિંગ ઓઈલ હબ' સહિત વિશ્વના અનેક મોટા સ્ટોરેજ સેન્ટરો અત્યારે ખાલી થવાના આરે છે. ત્યાં તેલનું સ્તર એટલું નીચે ગયું છે કે સપ્લાય જાળવી રાખવો મુશ્કેલ બની રહ્યો છે.
નિષ્ણાતોનો મતે સંકટ તરત જ નહીં ટળે
હોર્મુઝ સ્ટ્રેટ ભલે ખુલી ગયો હોય, પણ તેલ તરત જ બજારમાં સપ્લાય નહીં થાય. આ માટે પહેલા દરિયાઈ માર્ગોને સુરક્ષિત કરવા પડશે, તેલના ટેન્કરોને રૂટ પર પાછા લાવવા પડશે અને ઉત્પાદન વધારવું પડશે. આ સમગ્ર પ્રક્રિયામાં મહિનાઓનો સમય લાગી શકે છે. કેટલાંક નિષ્ણાતો માને છે કે બજાર અત્યારે માત્ર હોર્મુઝ ખુલવાની ખુશી મનાવી રહ્યું છે અને તેલની વાસ્તવિક અછતને નજરઅંદાજ કરી રહ્યું છે. જો ઓપેક (OPEC) દેશો ઝડપથી ઉત્પાદન નહીં વધારે, તો આગામી દિવસોમાં ઈંધણના ભાવ ફરી સામાન્ય નાગરિકોના ખિસ્સા હળવા કરશે તે નક્કી છે.
આ પણ વાંચો: Gen-Zઓ હોટેલને બદલે હોમ-સ્ટે અને વર્ષમાં 3 શોર્ટ ટ્રિપ્સ પસંદ કરે છે, Airbnbનો રિપોર્ટ