આજકાલના યુવાનો એટલે કે Gen-Z (18 થી 27 વર્ષની વયના યુવાનો) ની લાઈફસ્ટાઈલ અને વિચારવાની રીત અગાઉની પેઢી કરતા સાવ અલગ છે. જો તમે એવું વિચારતા હોવ કે આજની પેઢી ફરવા-હરવામાં કંજૂસ છે, તો તમે બિલકુલ ખોટા છો. તેઓ ખૂબ જ ઉત્સાહથી પ્રવાસ કરી રહ્યા છે, પરંતુ તેમની ફરવાની શૈલી બદલાઈ ગઈ છે. હોસ્પિટાલિટી પ્લેટફોર્મ Airbnb દ્વારા જારી કરાયેલા એક તાજેતરના રિપોર્ટ ‘Never the Same: The New Rules of Gen-Z Travel in India’ માં આ રસપ્રદ ખુલાસા થયા છે.


વર્ષમાં એક લાંબી ટુરના બદલે 3 શોર્ટ ટ્રિપ્સ

રિપોર્ટ અનુસાર, ભારતના 10 માંથી 7 Gen-Z યુવાનો હવે વર્ષમાં એક મોટી અને લાંબી રજા માણવાને બદલે વર્ષમાં ત્રણ નાની-નાની શોર્ટ ટ્રિપ્સ કરવાનું વધુ પસંદ કરે છે. આશરે 87 ટકા યુવાનોનો પ્રવાસ એક અઠવાડિયાથી પણ ઓછો એટલે કે 2 થી 6 રાત પૂરતો જ સીમિત હોય છે. આ દર્શાવે છે કે હવે ટુરિઝમ માર્કેટમાંથી લાંબા અને મોંઘા ટુર પેકેજનો જમાનો ધીમે-ધીમે વિદાય લઈ રહ્યો છે.

લાસ્ટ મિનિટ બુકિંગ અને ઓફબીટ લોકેશન

આજની પેઢી મહિનાઓ પહેલાં આયોજન કરવામાં માનતી નથી. 66 ટકા યુવાનો પ્રવાસના થોડા દિવસો કે અઠવાડિયા પહેલાં જ અચાનક ટિકિટ અને રહેવાની જગ્યા બુક કરે છે. જ્યારે પણ કોઈ લોન્ગ વીકેન્ડ મળે કે મિત્રોનો પ્લાન બને, ત્યારે તેઓ નીકળી પડે છે. ખાસ વાત એ છે કે 90 ટકા યુવાનો એવા લોકેશન શોધે છે જે સોશિયલ મીડિયા પર બહુ વાયરલ ન થયા હોય. તેઓ ઇન્સ્ટાગ્રામ પર ઓવર-હાઇપ્ડ બનેલી જગ્યાઓ પર જવાનું ટાળે છે.

હોટેલના બદલે હોમ-સ્ટે અને ગ્રુપ લિવિંગ

હવે યુવાનો ટ્રેડિશનલ હોટેલના અલગ-અલગ રૂમ રાખવાને બદલે આખું ઘર કે હોમ-સ્ટે ભાડે રાખવાનું પસંદ કરે છે જેથી બધા મિત્રો સાથે રહી શકે. 63 ટકા યુવાનોએ સ્વીકાર્યું કે તેઓ ડેસ્ટિનેશન કરતાં ત્યાં રહેવાની વ્યવસ્થા (એકોમોડેશન) કેટલી અનોખી છે તેના આધારે જગ્યા નક્કી કરે છે.

Airbnb ના ઇન્ડિયા અને સાઉથ-ઈસ્ટ એશિયાના કન્ટ્રી હેડ અમનપ્રીત બજાજે જણાવ્યું હતું કે, "Gen-Z માટે ટ્રાવેલિંગ એ તેમનું પર્સનલ સ્ટેટમેન્ટ છે. તેઓ ક્યાં જાય છે અને કોની સાથે જાય છે તેનાથી તેઓ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરે છે." આ બદલાતા ટ્રેન્ડને કારણે જ ભારતીય યુવાનોમાં ડોમેસ્ટિક શોર્ટ બુકિંગમાં 80 ટકા અને ગ્રુપ ટ્રિપ્સમાં 55 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

આ પણ વાંચો: China Taiwan: ચીને તાઇવાનને ચારેય તરફથી ઘેર્યું, ગમે ત્યારે હુમલાની આશંકા


  • Follow us on: