ખાસ વાત એ છે કે આ હુમલાઓ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે તાજેતરમાં જાહેર કરાયેલા યુદ્ધવિરામ પછી થયા છે. સ્થાનિક સમાચાર એજન્સી અનુસાર નબાતીયેહ સહિત અનેક વિસ્તારોમાં હવાઈ હુમલા અને સતત ગોળાબારી નોંધાઈ હતી.
યુદ્ધવિરામ છતાં સ્થિતિમાં ખાસ સુધારો નહી
મીડિયા રિપોર્ટ મુજબ અરબ સલીમ વિસ્તારમાં ત્રણ લોકોના મોત થયા, જ્યારે અન્ય બે લોકો અલગ-અલગ હુમલાઓમાં માર્યા ગયા. અમેરિકા અને કતરની મધ્યસ્થતાથી કરાયેલા યુદ્ધવિરામ છતાં સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી.
શુક્રવારે થયેલા હુમલાઓમાં 47 લોકોના મોત થયા
આ પહેલાં શુક્રવારે થયેલા હુમલાઓમાં 47 લોકોના મોત થયા હતા. બીજી તરફ ઇઝરાયેલે પોતાના ચાર સૈનિકોના મોતની પુષ્ટિ કરી છે અને હિઝબુલ્લાહના અનેક લડવૈયાઓને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. લેબનાનના રાષ્ટ્રપતિએ તાત્કાલિક વ્યાપક યુદ્ધવિરામની માંગ કરી છે, પરંતુ ઇઝરાયેલે દક્ષિણ લેબનાનમાં પોતાની સૈન્ય હાજરી ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે.
ઇઝરાયેલનો પોતાનો કક્કો જ ખરો કરી રહ્યુ છે
શુક્રવારે લેબનાનના રાષ્ટ્રપતિ જોસેફ ઔને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયો સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ઇઝરાયેલ સાથેની ચર્ચાઓને આગળ વધારવા માટે વ્યાપક યુદ્ધવિરામ અત્યંત જરૂરી છે.
એપ્રિલ મહિનામાં વોશિંગ્ટનમાં ઇઝરાયેલ સાથે સીધી વાટાઘાટો શરૂ કરી
અમેરિકાના દબાણ બાદ લેબનાને એપ્રિલ મહિનામાં વોશિંગ્ટનમાં ઇઝરાયેલ સાથે સીધી વાટાઘાટો શરૂ કરી હતી. આ ચર્ચાઓનો મુખ્ય હેતુ બંને પક્ષો વચ્ચેની દુશ્મનાવટ ઘટાડવાનો અને ઇઝરાયેલ-હિઝબુલ્લાહ સંઘર્ષને વધુ મોટા પ્રાદેશિક યુદ્ધમાં ફેરવાતો અટકાવવાનો હતો. અમેરિકી વિદેશ વિભાગના જણાવ્યા મુજબ, આ વાટાઘાટોનો પાંચમો તબક્કો આગામી મંગળવારે શરૂ થવાનો છે.
ટ્રમ્પ સહિત અનેક અમેરિકી અધિકારીઓ સૈન્ય કાર્યવાહીને લઈને નિરાશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત અનેક અમેરિકી અધિકારીઓએ લેબનાનમાં ચાલી રહેલી ઇઝરાયેલી સૈન્ય કાર્યવાહીને લઈને નિરાશા વ્યક્ત કરી છે. જોકે, ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ફરી સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ લેબનાનમાં ઇઝરાયેલી સૈનિકો જરૂરિયાત મુજબ તૈનાત રહેશે.
અમેરિકા અને કતરે વારંવાર મધ્યસ્થી કરી જેની કોઇ અસર ન થઇ
શુક્રવારે એક ઉચ્ચ અધિકારીએ આ સમગ્ર મામલે એક સમાચાર એજન્સીને જણાવ્યુ હતુ કે ઇઝરાયેલ અને ઈરાન સાથે થયેલી ચર્ચાઓ બાદ અમેરિકા અને કતરના મધ્યસ્થોએ ઇઝરાયેલ તથા હિઝબુલ્લાહ વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક ખાડી દેશના રાજદ્વારીએ પણ આ યુદ્ધવિરામની પુષ્ટિ કરી હતી.
બીજી તરફ, ઇઝરાયેલી સેનાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેના ચાર સૈનિકોના મોત થયા છે. સેનાના જણાવ્યા અનુસાર, લેબનાનમાં 150થી વધુ હુમલાઓ કરવામાં આવ્યા હતા અને આ કાર્યવાહીમાં હિઝબુલ્લાહના અનેક લડવૈયાઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.