અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા તાજેતરના યુદ્ધવિરામ કરાર બાદ અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેના સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે. ઈઝરાયલી સરકારના કેટલાક મંત્રીઓ આ કરારનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે, જે બાબત ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રને પસંદ નથી. આ પરિસ્થિતિ વચ્ચે યુએસ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સે ઈઝરાયલને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
વાન્સની ઇઝરાયલને સ્પષ્ટ ચેતવણી
ગુરુવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત કરતા જે.ડી. વાન્સે જણાવ્યું હતું કે, "વર્તમાન વિશ્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ એકમાત્ર એવા રાષ્ટ્રપ્રમુખ છે જે ઈઝરાયલની ચિંતા કરે છે. તેઓ વિશ્વની સૌથી શક્તિશાળી મહાસત્તાના વડા છે. જો હું ઈઝરાયલી મંત્રીમંડળમાં હોત, તો હું ક્યારેય મારા એકમાત્ર શક્તિશાળી સાથી દેશ પર આક્ષેપો ન કરત." તેમણે ઈઝરાયલી મંત્રીઓને વાસ્તવિકતા સમજવાની અને 'જાગૃત' થવાની સલાહ આપી હતી.
"અમારા કરદાતાઓના પૈસાથી ચાલે છે ઈઝરાયલ"
વાન્સે વધુ આક્રમક વલણ અપનાવતા ઈઝરાયલને તેના શસ્ત્રો વિશે યાદ અપાવ્યું હતું. તેમણે કહ્યું, "છેલ્લા ત્રણ મહિનામાં ઈઝરાયલે પોતાની સુરક્ષા માટે જે રક્ષણાત્મક શસ્ત્રોનો ઉપયોગ કર્યો છે, તેમાંથી બે તૃતીયાંશ અમેરિકન લોકો દ્વારા બનાવવામાં આવ્યા છે અને અમેરિકન કરદાતાઓના નાણાંથી ચૂકવવામાં આવ્યા છે." વાન્સે વધુમાં ઉમેર્યું હતું કે ઈઝરાયલની સમસ્યા ડોનાલ્ડ ટ્રમ્પ નથી, પરંતુ જે નેતાઓ તેમને સમસ્યા માને છે તેમણે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ.
નેતન્યાહૂના મંત્રીઓ પર નિશાન
ન્યૂયોર્ક ટાઇમ્સ સાથેની મુલાકાતમાં વાન્સે ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇટામાર બેન ગ્વીર અને નાણાં પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચનું નામ લઈને ટીકા કરી હતી. તેમણે પૂછ્યું કે, "તમારી પાસે આનો ઉકેલ શું છે? તમે 90 લાખની વસ્તી ધરાવતો દેશ છો અને દરેક રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાને માત્ર હિંસા કે હત્યાથી ઉકેલી શકાય નહીં."
નેતન્યાહૂનું વલણ
બીજી તરફ, વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઈઝરાયલ લેબનોનમાં કબજે કરેલા પ્રદેશોમાંથી પીછે હઠ કરવા તૈયાર નથી. આમ, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચેનો આ કૂટનીતિક સંઘર્ષ હવે ચરમસીમા પર છે, જ્યાં અમેરિકાએ ઈઝરાયલને તેની 'જગ્યા' બતાવવાનું શરૂ કર્યું છે.
આ પણ વાંચોઃ World’s most beautiful airports: ગર્વની ક્ષણ! દેશના 2 એરપોર્ટ બન્યા વિશ્વના સૌથી સુંદર એરપોર્ટ