યુએઈ નજીક આંતરરાષ્ટ્રીય પાણીમાં ચાલી રહેલું ટેન્કર “વેલિયન્ટ રોર” 8 ડિસેમ્બર, 2025ના રોજ અચાનક સંકટમાં ફસાઈ ગયું. ટેકનિકલ સમસ્યાને કારણે ખોર ફક્કન તરફ જઈ રહેલા આ ટેન્કરને ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા પીછો કરવામાં આવ્યો. આ સમયે જહાજમાં કુલ 18 ક્રૂ સભ્યો હતા, જેમાંથી 16 ભારતીય, એક શ્રીલંકન અને એક બાંગ્લાદેશી નાગરિક હતા.

ફોન કરીને જણાવ્યું...

જહાજના કેપ્ટને તેમના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે ઈરાની નૌકાદળ તેમનો પીછો કરી રહ્યું છે. થોડી જ ક્ષણોમાં ગોળીબારનો અવાજ સંભળાયો અને ફોન કટ થઈ ગયો. પરિવારજનોના જણાવ્યા મુજબ, કોઈ ઉશ્કેરણી વગર જ ઈરાની દળોએ ગોળીબાર કર્યો, ટેન્કરને નુકસાન પહોંચાડ્યું અને ક્રૂને બંધક બનાવ્યા.

6 મિલિયન લિટર ડીઝલની દાણચોરીનો આરોપ

ઈરાને આરોપ લગાવ્યો કે જહાજ 6 મિલિયન લિટર ડીઝલની દાણચોરી કરી રહ્યું હતું. જોકે, જહાજ પર ખૂબ જ ઓછા સલ્ફરવાળું ફ્યુઅલ ઓઈલ (VLSFO) હતું, જેનો પુરાવો પણ આપવામાં આવ્યો હતો. તેમ છતાં ઈરાને આ અહેવાલ નકારી કાઢ્યો અને ટેન્કરને બંદર-એ-જાસ્ક લઈ જઈ કબજે કર્યું.

ક્રૂ સભ્યોને એક જ રુમમાં બંધ

બધા ક્રૂ સભ્યોને એક જ રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા. તેમના મોબાઈલ, લેપટોપ અને તમામ સંપર્ક સાધનો જપ્ત કરવામાં આવ્યા. ફક્ત કેપ્ટનને રોજ થોડા મિનિટો માટે પરિવારને ફોન કરવાની મંજૂરી આપવામાં આવતી હતી. ખોરાકની તંગી, માનસિક તણાવ અને અનિશ્ચિતતા વચ્ચે દિવસો પસાર થતા રહ્યા.

6 જાન્યુઆરીએ પરિસ્થિતિ બની ગંભીર

6 જાન્યુઆરીએ પરિસ્થિતિ વધુ ગંભીર બની. 18માંથી 10 ખલાસીઓને પૂછપરછના બહાને ઈરાનની અંદર લઈ જઈ બંદર અબ્બાસ જેલમાં મોકલી દેવામાં આવ્યા. આમાં ચીફ ઓફિસર અનિલ સિંહ, એન્જિનિયરો અને અન્ય ભારતીય ખલાસીઓનો સમાવેશ થાય છે. તેમને દાણચોરીના ખોટા આરોપો હેઠળ જેલમાં નાંખવામાં આવ્યા.

પરિવારજનો માટે અસહ્ય સ્થિતિ

પરિવારજનો માટે આ સમય અસહ્ય બની ગયો છે. કોઈ સ્પષ્ટ માહિતી નથી, નિયમિત સંપર્ક નથી અને ભારત સરકાર તરફથી પણ ધીમી કાર્યવાહી થઈ રહી હોવાનો પરિવારનો આક્ષેપ છે. અનેક પરિવારોને દિલ્હી હાઈકોર્ટમાં રિટ અરજી દાખલ કરવાની ફરજ પડી છે. કોર્ટે કેન્દ્ર સરકારને સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

બાકીના 8 ખલાસીઓ પણ ગંભીર

જહાજ પર રહેલા બાકીના 8 ખલાસીઓ પણ ગંભીર હાલતમાં છે. તેમને પૂરતો ખોરાક મળતો નથી અને રાશન ખૂટી રહ્યું છે. ઈરાનમાં ચાલી રહેલી રાજકીય અશાંતિ અને હિંસાની પરિસ્થિતિએ પરિવારની ચિંતા વધારી દીધી છે. વિદેશ મંત્રાલયે તાજેતરમાં જણાવ્યું છે કે ઈરાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવાની તૈયારી ચાલી રહી છે. શક્ય છે કે સ્થળાંતર ફ્લાઇટ્સ મોકલવામાં આવે. પરિવારજનો આશા રાખી રહ્યા છે કે તેમના સ્વજનો પણ સલામત રીતે વતન પરત ફરશે.

આ પણ વાંચો : ભારત-EU FTA અંતિમ તબક્કામાં, ટ્રમ્પની નીતિ પર નિષ્ણાતોનું મોટું નિવેદન