ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેનો લાંબા સમયથી ચર્ચામાં રહેલો મુક્ત વેપાર કરાર હવે અંતિમ સ્વરૂપ લેવાની તૈયારીમાં છે. યુરોપિયન મીડિયાના અહેવાલો મુજબ, આ મહત્વપૂર્ણ કરાર પર 27 જાન્યુઆરીએ સત્તાવાર રીતે હસ્તાક્ષર થઈ શકે છે. જો એવું થાય છે, તો આ ભારત માટે વૈશ્વિક વેપાર ક્ષેત્રે એક મોટી સફળતા ગણાશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફની ધમકી

આ કરાર એવા સમયે આવી રહ્યો છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરિફની ધમકી આપી ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે ભારત-અમેરિકા વેપાર કરાર અમેરિકાની શરતો પર થાય, ખાસ કરીને કૃષિ અને ડેરી ક્ષેત્રને લઈને. પરંતુ ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના મુખ્ય હિતો સાથે કોઈ સમાધાન કરશે નહીં.

 FTAમાં કૃષિ ક્ષેત્રને બહાર

યુરોપિયન યુનિયન સાથેના આ FTAમાં કૃષિ ક્ષેત્રને બહાર રાખવામાં આવ્યું છે. આ બાબત ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારત માટે કૃષિ અને ડેરી કરોડો લોકોની રોજગાર અને આવક સાથે જોડાયેલા છે. યુરોપિયન કમિશનની પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને પણ સંકેત આપ્યો છે કે આ મહિને જ કરાર પર હસ્તાક્ષર થઈ જશે અને તેમાં કૃષિનો સમાવેશ નહીં થાય. અહેવાલો મુજબ, EUના વરિષ્ઠ અધિકારીઓ 27 જાન્યુઆરીએ નવી દિલ્હી આવી શકે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ કરારને ઔપચારિક બનાવશે.

“ધ ગ્રેટ રીસેટ” પુસ્તકના લેખકે કરી ટ્રમ્પની ટીકા

આ મુદ્દે “ધ ગ્રેટ રીસેટ” પુસ્તકના લેખક અને વ્યૂહાત્મક વિશ્લેષક નવરૂપ સિંહે ડોનાલ્ડ ટ્રમ્પ પર તીવ્ર ટીકા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આ સોદો સાબિત કરે છે કે અમેરિકા પોતાની દબાણની નીતિમાં સફળ રહ્યું નથી. તેમના જણાવ્યા અનુસાર, ભારતે સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે તે કૃષિ કે ડેરી જેવા મુખ્ય ક્ષેત્રોમાં ક્યારેય ઝૂકશે નહીં.

https://twitter.com/TheNavroopSingh/status/2011655724263490044

 ભારતના 99 ટકા માલ પર શૂન્ય ટેરિફ

નવરૂપ સિંહે વધુમાં કહ્યું કે બ્રિટન, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઓમાન સાથે થયેલા તાજેતરના કરારોમાં ભારતના 99 ટકા માલ પર શૂન્ય ટેરિફ આપવામાં આવ્યો છે. આ બતાવે છે કે ભારત આંતરરાષ્ટ્રીય વેપારમાં એક વ્યાવસાયિક અને આત્મવિશ્વાસભર્યો અભિગમ અપનાવી રહ્યું છે. દરેક નવા FTA અને સંરક્ષણ સોદા સાથે ભારત પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે અને અમેરિકાનો દબાણ ધીમે ધીમે ઘટતું જઈ રહ્યું છે.

આ પણ વાંચો : World News : “હું ફક્ત એક વાર મારી માતાને જોવા માંગું છું” નેધરલેન્ડ્સના મેયરની ઇચ્છા