“દરેક કર્ણને કુંતીને મળવાનો અધિકાર છે.” આ વાક્ય માત્ર મહાભારતના કર્ણની વ્યથા નથી, પરંતુ એક જીવંત માણસની લાગણી છે. જન્મતાની સાથે જ જેને માતાએ સમાજના ડરથી ત્યજી દીધો, તે બાળક આજે વિદેશની ધરતી પર એક શહેરનો મેયર છે. 41 વર્ષ પછી એ જ “કર્ણ” પોતાની “કુંતી”ને શોધવા ભારત પાછો ફર્યો છે. આ વાર્તા રાજકારણની નહીં, પરંતુ ઓળખ, સંબંધ અને અધૂરા પ્રેમની છે.

વાત આ વખતની

1985ની 10 ફેબ્રુઆરી. સ્થળ હતું મહારાષ્ટ્રનું નાગપુર. અહીં એક બાળકનો જન્મ થયો, પરંતુ જન્મના માત્ર ત્રણ દિવસ પછી તેની માતાએ તેને એક અનાથાશ્રમમાં છોડી દીધો. સત્તાવાર રેકોર્ડ મુજબ, બાળકની માતા અપરિણીત હતી અને સામાજિક દબાણ તથા કલંકના કારણે તેણે આ કઠિન નિર્ણય લીધો હતો. આ બાળકને નાગપુરના MSS અનાથાશ્રમમાં આશ્રય આપવામાં આવ્યો, જે માત્ર બાળકો માટે નહીં પરંતુ મુશ્કેલીમાં આવેલી મહિલાઓ માટે પણ કામ કરે છે.

એક મહિના સુધી બાળકની સંભાળ

અનાથાશ્રમની નર્સોએ એક મહિના સુધી બાળકની સંભાળ લીધી. બાળક ફેબ્રુઆરીમાં જન્મ્યો હોવાથી તેનું નામ “ફાલ્ગુન” રાખવામાં આવ્યું. થોડા સમય બાદ તેને મુંબઈ લઈ જવાયો, જ્યાં એક ડચ દંપતીએ તેને દત્તક લીધો. આ દંપતી બાળકને નેધરલેન્ડ્સ લઈ ગયું અને ત્યાં પ્રેમ અને સુરક્ષિત વાતાવરણમાં તેનું ઉછેર કર્યું.

ફાલ્ગુન નેધરલેન્ડ્સમાં થયો મોટો

ફાલ્ગુન નેધરલેન્ડ્સમાં મોટો થયો. બાળપણ અને યુવાની દરમિયાન તેને ભારત વિશે ખાસ જાણકારી નહોતી. સ્કૂલના પાઠ્યપુસ્તકોમાં જોયેલો ભારતનો નકશો અને થોડી માહિતી સિવાય, તેની જન્મભૂમિ તેના માટે અજાણી હતી. જોકે, જેમ જેમ તે મોટો થતો ગયો, તેમ તેમ તેના મનમાં પોતાની જન્મ આપતી માતા વિશે જાણવાની ઇચ્છા વધતી ગઈ.

પહેલી વાર ભારત આવ્યો

18 વર્ષની ઉંમરે, વર્ષ 2006માં, ફાલ્ગુન પહેલી વાર ભારત આવ્યો. તે સમયે તેણે દક્ષિણ ભારતની મુલાકાત લીધી હતી. પરંતુ વર્ષો પછી જ્યારે તે ફરી ભારત આવ્યો, ત્યારે તેનો હેતુ અલગ હતો. આ વખતની યાત્રા પોતાની ઓળખ અને પોતાની માતાની શોધ માટે હતી. તેણે નાગપુરમાં MSS અનાથાશ્રમની મુલાકાત લીધી અને સંબંધિત દસ્તાવેજો શોધવાનો પ્રયાસ કર્યો.

 નેધરલેન્ડ્સના હીમસ્ટેડ શહેરનો મેયર

આજે ફાલ્ગુન નેધરલેન્ડ્સના હીમસ્ટેડ શહેરનો મેયર છે, જે એમ્સ્ટરડેમથી લગભગ 30 કિલોમીટર દૂર આવેલું છે. પોતાની માતાને શોધવા માટે તેણે NGO, મ્યુનિસિપાલિટી અને પોલીસની મદદ લીધી છે. ફાલ્ગુન કહે છે કે તેણે મહાભારત વાંચ્યું છે અને તે કર્ણના પાત્રથી ખૂબ પ્રભાવિત છે. તે કહે છે, “મારું માનવું છે કે દરેક કર્ણને કુંતીને મળવાનો અધિકાર છે.”

બસ આટલી જ ઇચ્છા

ફાલ્ગુનની ઇચ્છા બહુ સરળ છે. તે કહે છે કે તેને કોઈ ફરિયાદ નથી, કોઈ પ્રશ્ન નથી. તે ફક્ત એક વાર પોતાની માતાને મળવા માંગે છે અને કહેવા માંગે છે કે તે ખુશ છે અને સારું જીવન જીવી રહ્યો છે. આ વાર્તા માત્ર એક વ્યક્તિની શોધ નથી, પરંતુ માતા-પુત્રના અતૂટ સંબંધની ભાવનાત્મક ઝાંખી છે.

આ પણ વાંચો : Viral Video : બરફમાંથી બહાર નીકળતો હાથ! આગળ જે થયું તે વીડિયોમાં કેદ થયું