દક્ષિણ લેબનોનના મજદલ જુન ગામમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસે હિઝબુલ્લાહના એક અત્યંત ખતરનાક નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. IDFના ૫૫૧મા બ્રિગેડ અને ચુનંદા 'યાહાલોમ' યુનિટ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન આશરે 200 મીટર લાંબી અને 29 મીટર ઊંડી એક આધુનિક ટનલ મળી આવી છે. આ ટનલની શોધ એક સુરક્ષા મિશનનો ભાગ છે, જે યુદ્ધવિરામની સ્થિતિ વચ્ચે પણ ઇઝરાયલની સુરક્ષા માટે અત્યંત મહત્વની માનવામાં આવે છે.
ટનલમાંથી મળી આવી અનેક વિસ્ફોટક સામગ્રી
આ ટનલની અંદરથી જે વિસ્ફોટક સામગ્રી મળી આવી છે, તે આતંકવાદીઓના ઈરાદાઓને સ્પષ્ટ કરે છે. સૈનિકોને ટનલમાંથી સેંકડો શસ્ત્રો, ટેન્ક વિરોધી મિસાઇલો અને ઈરાન દ્વારા નિર્મિત 50 આત્મઘાતી ડ્રોનનો મોટો જથ્થો મળી આવ્યો છે. એટલું જ નહીં, આ ટનલ આતંકવાદીઓ માટે એક સુરક્ષિત આશ્રયસ્થાન જેવી હતી, જેમાં રહેવા માટેની સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી. ટનલના લોન્ચ શાફ્ટને ખાસ કરીને ઇઝરાયલની દિશામાં સજ્જ કરવામાં આવ્યા હતા, જેથી સરળતાથી હુમલો કરી શકાય.
ટનલનુ નિર્માણ 10 વર્ષ પહેલા કરવામાં આવ્યું
સૌથી ગંભીર બાબત એ છે કે આ ટનલનું નિર્માણ છેલ્લા દસ વર્ષમાં ઈરાની આર્થિક સહાયથી કરવામાં આવ્યું હતું અને તેને જાણીજોઈને નાગરિક વસ્તી ધરાવતા વિસ્તારોની નીચે, ખાસ કરીને એક મસ્જિદની નજીક બનાવવામાં આવી હતી. આ સાબિત કરે છે કે હિઝબુલ્લાહ નાગરિકોને માનવ ઢાલ તરીકે વાપરીને પોતાની આતંકવાદી ગતિવિધિઓ ચલાવી રહ્યું હતું. આ ઓપરેશન દરમિયાન, IDFએ 20 થી વધુ હિઝબુલ્લાહ આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને ટનલની આસપાસના અનેક આતંકવાદી લક્ષ્યોને પણ નષ્ટ કર્યા હતા.
ઇરાન હિઝબુલ્લાહને કરી રહ્યુ છે લશ્કરી અને નાણાકીય મદદ
સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ ટનલ ઈરાનની ઈઝરાયલ વિરોધી રણનીતિનો એક ભાગ છે. હિઝબુલ્લાહને નાણાકીય અને લશ્કરી મદદ આપીને ઈરાન સતત ઈઝરાયલની સરહદો પર અસ્થિરતા પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ટનલ ઈઝરાયલ પર એક મોટા અને વિનાશક હુમલાની તૈયારીઓનું પ્રતીક હતી.
સુરક્ષા જાળવવા સર્ચ ઓપરેશન
IDFના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ લેબનોનમાં સુરક્ષા જાળવવા માટે આવા સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે. ભલે વર્તમાનમાં યુદ્ધવિરામ અમલમાં હોય, પરંતુ ઇઝરાયલની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. તેમણે હિઝબુલ્લાહને ચેતવણી આપી છે કે જો ભવિષ્યમાં કોઈ પણ હુમલાનો પ્રયાસ કરવામાં આવશે, તો ઇઝરાયેલી સેના વધુ આક્રમક અને કડક વળતો જવાબ આપશે. આ સફળ ઓપરેશને હિઝબુલ્લાહના ઈઝરાયલ વિરોધી ષડયંત્રોને મોટો આંચકો આપ્યો છે.
આ પણ વાંચોઃ Donald Trump Warns Iran: 'Peace deal' પર સંકટના વાદળો? જીનીવા વાટાઘાટો વચ્ચે ઇરાની પ્રતિનિધિમંડળનું વોકઆઉટ