સ્વિટ્ઝર્લૅન્ડના જીનીવા ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે આશાસ્પદ વાતાવરણમાં શરૂ થયેલી વાટાઘાટો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક વિવાદાસ્પદ નિવેદન બાદ અચાનક તંગ બની ગઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે થયેલા સમજૂતી પત્ર (MOU)ને અમલમાં મૂકવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ટ્રમ્પની એક સોશિયલ મીડિયા પોસ્ટથી સમગ્ર પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે.


અમેરિકા ઈરાન પર કરશે ભયાનક હુમલો

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, જો ઈરાન તેના પ્રોક્સી સંગઠન હિઝબુલ્લાહને અંકુશમાં નહીં રાખે, તો અમેરિકા ઈરાન પર અગાઉ કરતા પણ વધુ ભયાનક હુમલો કરશે. આ ટિપ્પણીથી ઈરાની પ્રતિનિધિમંડળમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ઈરાનના વાટાઘાટકાર મોહમ્મદ બાઘર ગાલિબાફે પલટવાર કરતા જણાવ્યું કે, અમેરિકાની આવી ધમકીઓ વ્યર્થ છે અને જો તે કારગત હોત તો આજે વોશિંગ્ટન આ સ્થિતિમાં ન હોત. તેમણે વધુમાં ચેતવણી આપી કે, ઈરાની સેના કોઈપણ આક્રમણનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

ઈરાની પ્રતિનિધિમંડળે પીસ ટોકમાંથી કર્યુ વોકઆઉટ

આ તણાવ એટલો વધી ગયો કે ઈરાની પ્રતિનિધિમંડળે વિરોધ પ્રદર્શિત કરતા મીટિંગ હોલમાંથી વોકઆઉટ કર્યું હતું. પાકિસ્તાન અને કતારના મધ્યસ્થીઓએ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સફળતા મળી ન હતી. જોકે, આ ઘટના પહેલા બંને દેશો વચ્ચે લગભગ ૮૨ મિનિટ સુધી સકારાત્મક ચર્ચા થઈ હતી. આ ચર્ચાઓમાં ઈરાનની સ્થિર સંપત્તિ પરત મેળવવા, ઉર્જા ક્ષેત્ર પરના પ્રતિબંધો હળવા કરવા અને કતારમાં ફસાયેલા ઈરાનના ૬ અબજ ડોલર મુક્ત કરવા જેવા મુદ્દાઓ પર સહમતી સધાઈ હતી.

ઇરાને પોતાનું સ્પષ્ટ વલણ કર્યુ

અમેરિકાના પ્રતિનિધિ જેડી વાન્સે ભૂતકાળના મતભેદો ભૂલીને આગળ વધવાની તૈયારી દર્શાવી હતી. કરાર મુજબ, 60 દિવસની અંદર ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સર્વસંમતિ સાધવાની શરત રાખવામાં આવી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તે કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો વિકસાવવા નહીં દે. બીજી તરફ, ઈરાને પણ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈ પણ પ્રકારની બળજબરી કે દબાણ સામે ઝૂકશે નહીં અને પોતાના પરમાણુ વિકાસના અધિકારને જાળવી રાખશે.

ઇરાન અને અમેરિકા ફરી આમને સામને

હાલમાં, ઈરાની પ્રતિનિધિમંડળની હાજરી હોવા છતાં વાટાઘાટોનો આગામી દોર થશે કે નહીં તે પ્રશ્ન હજુ અકબંધ છે. એક તરફ પરમાણુ કાર્યક્રમ પર ઈરાનની અડગતા અને બીજી તરફ ટ્રમ્પની આક્રમક શૈલીએ આ સમગ્ર શાંતિ પ્રક્રિયાને અત્યંત નિર્ણાયક અને જોખમી વળાંક પર લાવીને મૂકી દીધી છે.

પહેલા રાઉન્ડમાં કયા કયા મુદ્દાઓ પર કરાઇ ચર્ચા

1.ઈરાને જણાવ્યું હતું કે તેમણે તેની સ્થિર સંપત્તિ પરત કરવા અંગે ચર્ચા કરી હતી. તેમણે ઈરાનના ઉર્જા ક્ષેત્ર પરના પ્રતિબંધો હળવા કરવા અંગે પણ ચર્ચા કરી હતી.

2.ઈરાની પ્રતિનિધિમંડળના એક સભ્યએ રાજ્ય મીડિયાને જણાવ્યું હતું કે અમેરિકા સાથેની વાતચીતના પહેલા રાઉન્ડમાં ઈરાની તેલ પર પ્રતિબંધો રાહતનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે, અને પ્રતિબંધો રાહત ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.

3.આ કરાર હેઠળ કતારમાં ફસાયેલા ઈરાનના $6 બિલિયન પરત કરવામાં આવશે.

4.યુએસ પ્રતિનિધિમંડળના નેતા જેડી વાન્સે જણાવ્યું હતું કે અમેરિકા ઈરાન સાથેના ભૂતકાળના મુદ્દાઓ છોડી દેવા માટે તૈયાર છે.

5.યુએસ અને ઈરાન વચ્ચે થયેલા MOUમાં 60 દિવસની અંદર ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કરાર કરવાની માંગ કરવામાં આવી છે.

6.વાર્તાના આ પ્રથમ રાઉન્ડ દરમિયાન, અમેરિકાએ સ્પષ્ટ કર્યું હતું કે ઈરાનને પરમાણુ શસ્ત્રો રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચોઃ Donald Trump Warns Iran: 'પીસ ટોક' વચ્ચે ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, તેહરાનને આપી મોટા હુમલાની ધમકી

  • Follow us on: