અમેરિકામાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા વિદેશી વ્યાવસાયિકો, ખાસ કરીને ભારતીય આઈટી એન્જિનિયરો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. રિપબ્લિકન સાંસદોના એક જૂથે H-1B વિઝા પ્રોગ્રામમાં મોટા ફેરફાર કરવા અને તેના પર ત્રણ વર્ષ માટે રોક લગાવવા માટે 'એન્ડ H-1B વિઝા એબ્યુઝ એક્ટ ઓફ 2026' રજૂ કર્યો છે.


શું છે આ નવા બિલનો હેતુ?

સાંસદ એલી ક્રેન દ્વારા રજૂ કરવામાં આવેલા આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય અમેરિકી કર્મચારીઓના હિતોની રક્ષા કરવાનો છે. રિપબ્લિકન સાંસદોનો તર્ક છે કે મોટી કંપનીઓ નફો મેળવવા માટે લાયક અમેરિકી નાગરિકોને બદલે સસ્તા વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખે છે. આ બિલ દ્વારા વિઝા સિસ્ટમને ફરીથી સેટ કરી વધુ કડક નિયમો લાગુ કરવાનો પ્રસ્તાવ છે.


સીમામાં ઘટાડો: વાર્ષિક H-1B વિઝાની મર્યાદા 65,000 થી ઘટાડીને માત્ર 25,000 કરવાની દરખાસ્ત છે.

પગાર મર્યાદા: લોટરી સિસ્ટમ બંધ કરી વેતન-આધારિત પસંદગી લાવવાની વાત છે, જેમાં વાર્ષિક ઓછામાં ઓછું $200,000 (આશરે 1.65 કરોડ રૂપિયા) વેતન નક્કી કરાશે.

OPT પ્રોગ્રામ બંધ: વિદ્યાર્થીઓ માટેનો 'ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ' (OPT) પ્રોગ્રામ સમાપ્ત કરવાની પણ જોગવાઈ છે.

આશ્રિતો પર પ્રતિબંધ: વિઝા ધારકો પોતાના પરિવાર કે આશ્રિતોને સાથે લાવી શકશે નહીં અને તેમને કાયમી નાગરિકતા (ગ્રીન કાર્ડ) મેળવતા રોકવામાં આવશે.


અમેરિકી કર્મચારીઓને પ્રાથમિકતા

સાંસદ બ્રાન્ડન ગિલ અને પોલ ગોસરે જણાવ્યું હતું કે આ બિલ વિદેશીઓ કરતા અમેરિકી કામદારોને પ્રાથમિકતા આપશે. કંપનીઓએ હવે પ્રમાણિત કરવું પડશે કે તેમને કોઈ લાયક અમેરિકી કર્મચારી મળ્યો નથી, ત્યારબાદ જ તેઓ વિદેશી વ્યક્તિની નિમણૂક કરી શકશે. જો આ બિલ કાયદો બનશે, તો ટેક જગતમાં ભારે ઉથલપાથલ જોવા મળી શકે છે.

આ પણ વાંચો:Hormuz Strait:શું હોર્મુઝના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ થશે? ટ્રમ્પના આદેશથી હચમચી ગયું ઈરાન

  • Follow us on: