અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનો 80મો જન્મદિવસ અત્યંત અનોખી અને યાદગાર રીતે ઉજવ્યો છે. વ્હાઇટ હાઉસના ઐતિહાસિક 'સાઉથ લૉન' પર વિશ્વની સૌથી મોટી મિક્સ્ડ માર્શલ આર્ટ્સ સંસ્થા 'અલ્ટીમેટ ફાઇટીંગ ચેમ્પિયનશિપ' (UFC)ની ફાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ પાછળ અંદાજે 60 મિલિયન ડોલર એટલે કે લગભગ 567 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે તેને અત્યાર સુધીની સૌથી મોંઘી UFC ઇવેન્ટ બનાવે છે.


આ બંને ફાઇટર વચ્ચેનો મુકાબલો રહ્યો હાઇવોલ્ટેજ

આ ભવ્ય આયોજનમાં કુલ સાત હાઈ-વોલ્ટેજ બાઉટ્સ યોજાયા હતા. સમગ્ર ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ લાઇટવેઇટ ચેમ્પિયન ઇલિયા ટોપુરિયા અને અમેરિકન ફાઇટર જસ્ટિન ગેથજે વચ્ચેનો મુકાબલો હતો. ચાર રાઉન્ડ સુધી ચાલેલી આ રોમાંચક ફાઇટમાં જસ્ટિન ગેથજેએ પોતાની શક્તિનું પ્રદર્શન કરતા સ્પેનિશ ફાઇટર ટોપુરિયાને હરાવીને તમામ પ્રેક્ષકોને ચોંકાવી દીધા હતા. આ જીત સાથે ગેથજેએ પોતાનું લાઇટવેઇટ ટાઇટલ બેલ્ટ સુરક્ષિત રાખ્યું, જ્યારે ટોપુરિયાને તેની કારકિર્દીની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.

ખાસ મહેમાનો અને અધિકારીઓને અપાયું હતુ આમંત્રણ

આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે વરિષ્ઠ સરકારી અધિકારીઓ, ખાસ મહેમાનો અને હજારોની સંખ્યામાં લશ્કરી જવાનો હાજર રહ્યા હતા. ઇવેન્ટના પ્રથમ બાઉટમાં બો નિકલે કાયલ ડોકસને પ્રથમ રાઉન્ડમાં જ પોતાના પાવરફુલ પંચ દ્વારા પરાજિત કર્યો હતો. આ જીત બાદ બો નિકલનું વર્તન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વિજયી થયા બાદ તરત જ તે રિંગની બહાર આવીને સીધો રાષ્ટ્રપતિ ટ્રમ્પ પાસે પહોંચ્યો હતો, જ્યાં બંનેએ હાથ મિલાવ્યા અને ટૂંકી વાતચીત કરી હતી.

ઇતિહાસમાં એક અભૂતપૂર્વ પ્રસંગ થયો અંકિત

વ્હાઇટ હાઉસના પરિસરમાં આ પ્રકારનું રમતગમતનું આયોજન એક દુર્લભ દ્રશ્ય હતું. આ ઇવેન્ટે માત્ર રાષ્ટ્રપતિના જન્મદિવસની ઉજવણીને જ ખાસ નથી બનાવી, પરંતુ ખેલ જગતમાં પણ એક નવો ઇતિહાસ રચ્યો છે. 567 કરોડના ખર્ચે યોજાયેલી આ ફાઇટ નાઇટમાં રમતવીરોનું જોશ અને રાષ્ટ્રપતિની ઉપસ્થિતિએ સમગ્ર વાતાવરણને ઉત્સાહથી ભરી દીધું હતું. આ કાર્યક્રમ વ્હાઇટ હાઉસના ઇતિહાસમાં એક અભૂતપૂર્વ અને યાદગાર પ્રસંગ તરીકે અંકિત થઈ ગયો છે.

આ પણ વાંચોઃ Iran US Peace Deal: આખરે આવ્યો યુદ્ધનો અંત! હોર્મુઝ ફરી ખૂલશે,આ 14 શરતો પર થઇ શાંતિ સમજૂતી


  • Follow us on: