ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષે હવે એક નવું અને ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે. સપ્તાહના અંતે ઈરાનના વ્યૂહાત્મક તેલ ડેપો પર થયેલા હવાઈ હુમલા બાદ અનેક વિસ્તારોમાં 'કાળો વરસાદ' થવાના અહેવાલો મળી રહ્યા છે. આ વરસાદ માત્ર પાણી નથી, પરંતુ તેમાં વાતાવરણમાં ભળેલા ઝેરી રસાયણો અને ધુમાડાનું જીવલેણ મિશ્રણ છે, જેણે વૈજ્ઞાનિકો અને પર્યાવરણવાદીઓની ચિંતામાં વધારો કર્યો છે.
કેમ થઈ રહ્યો છે કાળો વરસાદ?
વૈજ્ઞાનિકોના મતે, તેલ ડેપોમાં લાગેલી ભીષણ આગને કારણે વાતાવરણમાં લાખો ટન ધુમાડો, અદ્રશ્ય હાઇડ્રોકાર્બન અને PM2.5 જેવા સૂક્ષ્મ કણો ફેલાયા છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે આ ટીપાં હવામાં રહેલા પ્રદૂષકોને પોતાની સાથે જમીન પર ખેંચી લાવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વરસાદનું પાણી કાળું અને ચીકણું છે, જેના કારણે વાહનો અને ઇમારતો પર તેલ જેવું પડ જામી ગયું છે.
જીવલેણ રસાયણોનું મિશ્રણ
આ વરસાદમાં માત્ર એસિડ જ નહીં, પરંતુ કેન્સર પેદા કરી શકે તેવા કાર્સિનોજેનિક રસાયણો હોવાની આશંકા છે. નિષ્ણાતોના મતે તેમાં આ જોખમી તત્વો હોઈ શકે છે. PAHs (પોલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન): જે અત્યંત ઝેરી અને કેન્સરકારક માનવામાં આવે છે. તેલના દહનથી નીકળતા સલ્ફર અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ હવામાં ભળીને એસિડ વરસાદ બનાવે છે. વિસ્ફોટોમાં નાશ પામેલા સૈન્ય માળખાં અને ઇમારતોમાંથી મુક્ત થયેલા અકાર્બનિક સંયોજનો.
સ્વાસ્થ્ય પર ગંભીર અસર
ઈરાનની રેડ ક્રેસેન્ટ સોસાયટીએ લોકોને વરસાદમાં બહાર ન નીકળવાની સલાહ આપી છે. અનેક લોકોએ આ વરસાદ બાદ માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને ચામડી પર બળતરા થવાની ફરિયાદો કરી છે. આ પ્રદૂષિત પાણી જમીનમાં ઉતરવાથી લાંબા ગાળે ખેતી અને પીવાના પાણીના સ્ત્રોત પણ પ્રદૂષિત થઈ શકે છે.
આ પણ વાંચોઃ ગેસ કટોકટી વચ્ચે, આ લોકોને મળશે 100% પુરવઠો..સરકારે આપી મોટી રાહત