ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં સોમવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 5.1 માપવામાં આવી છે, જેને સામાન્ય રીતે ખતરનાક શ્રેણીમાં ગણવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયથી ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ભૂકંપની ઘટનાઓમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ભૂતકાળમાં આ કુદરતી આફતોએ હજારો લોકોનો ભોગ લીધો હોવાથી, આંચકા અનુભવાતા જ સ્થાનિક લોકોમાં ભય અને ફફડાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
વહેલી સવારે આવ્યા ભૂકંપના આંચકા
આ ઘટના અંગે નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) દ્વારા સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી છે. સંસ્થાના અહેવાલ મુજબ, 16 નવેમ્બર, સોમવારના રોજ વહેલી સવારે 3:07 વાગ્યે અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રૂજી ઉઠી હતી. સવારે લોકો ગાઢ નિદ્રામાં હતા ત્યારે આ આંચકા આવ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૃથ્વીની સપાટીથી 179 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. જોકે, રાહતની વાત એ છે કે તીવ્રતા વધુ હોવા છતાં અત્યાર સુધી કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.
અફઘાનિસ્તામાં સપ્ટેમ્બરમાં આવ્યો હતો ભૂકંપ
અત્રે ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન ભૂકંપની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે અને અહીં અવારનવાર ધરતીકંપના આંચકા આવતા રહે છે. અગાઉ સપ્ટેમ્બર મહિનામાં પણ અફઘાનિસ્તાનમાં બે વખત ભૂકંપ અનુભવાયા હતા. 7 સપ્ટેમ્બરના રોજ સવારે 5:36 વાગ્યે રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી 130 કિલોમીટર નીચે હતું. ત્યારબાદ માત્ર બે જ દિવસ પછી, એટલે કે 9 સપ્ટેમ્બરના રોજ ફરીથી 4.2 ની તીવ્રતાનો બીજો ભૂકંપ નોંધાયો હતો.
આ કારણે આવે છે ભૂકંપના આંચકા
ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે આખરે ભૂકંપ શા માટે આવે છે? વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, પૃથ્વીના પેટાળમાં વિશાળ ટેક્ટોનિક પ્લેટો આવેલી છે, જે સતત ગતિશીલ રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે, ઘસાય છે અથવા પોતાની જગ્યાએથી સરકે છે, ત્યારે ભૂગર્ભમાં સંગ્રહિત થયેલી પ્રચંડ ઊર્જા અચાનક બહારની તરફ મુક્ત થાય છે. આ ઊર્જા તરંગો સ્વરૂપે સપાટી પર આવે છે, જેના પરિણામે આપણને ધરતી ધ્રૂજતી અનુભવાય છે અને ભૂકંપની સ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચોઃ Chhath Puja 2026 : PM મોદીએ પાઠવી છઠ પર્વની શુભેચ્છાઓ,કહ્યું- દૃઢ સંકલ્પ અને આધ્યાત્મિક સાધનાનો અદ્ભુત સંગમ