અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અત્યાર સુધીનો સૌથી મોટો તણાવ જોવા મળી રહ્યો છે. અફઘાન સંરક્ષણ મંત્રાલયના દાવા મુજબ, અફઘાન વાયુસેનાએ આજે સવારે 11.00 વાગ્યે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ સહિત અનેક મહત્વના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવીને જોરદાર હવાઈ હુમલા કર્યા છે. આ કાર્યવાહી પાકિસ્તાન દ્વારા અફઘાન સીમામાં કરવામાં આવેલા અગાઉના હુમલાઓના જવાબમાં હોવાનું કહેવાય છે.

વ્યૂહાત્મક સ્થળો પર બોમ્બમારો

અહેવાલો અનુસાર, અફઘાન વાયુસેનાએ માત્ર ઇસ્લામાબાદના ફૈઝાબાદ જ નહીં, પરંતુ નૌશેરા, જમરુદ અને એબોટાબાદ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી પાકિસ્તાની લશ્કરી કોલોનીઓ અને છાવણીઓ પર પણ બોમ્બમારો કર્યો છે. આ હુમલાઓએ પાકિસ્તાની સૈન્ય માળખાને મોટું નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે.

ભારે જાનહાનિ અને શસ્ત્રો પર કબજો

અફઘાન ન્યૂઝ ચેનલના મુજબ આ અથડામણમાં અત્યાર સુધીમાં 55 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. અફઘાન સેનાએ દાવો કર્યો છે કે તેમણે ડ્યુરન્ડ લાઇન પર આવેલી 19 પાકિસ્તાની ચેકપોસ્ટ અને બે લશ્કરી મુખ્યાલયો પર કબજો જમાવી લીધો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં અફઘાન લડવૈયાઓ કબજે કરેલા આધુનિક હળવા અને ભારે શસ્ત્રોનું વિતરણ કરતા પણ જોવા મળ્યા છે.

ગ્રાઉન્ડ ઝીરો પરની સ્થિતિ

અફઘાન કમાન્ડરના અહેવાલ મુજબ, દંગમ અને નવપાસ જેવા સરહદી વિસ્તારોમાં ભીષણ જંગ ખેલાયો હતો, જેમાં પાકિસ્તાની સૈનિકોએ પીછેહઠ કરવી પડી હતી. અફઘાનિસ્તાને સ્વીકાર્યું છે કે આ ઓપરેશનમાં તેમના 8 સૈનિકો શહીદ થયા છે અને 11 ઘાયલ થયા છે. આ આખી ઘટના પાકિસ્તાન દ્વારા તોરખામ સરહદે શિબિરો પર કરવામાં આવેલા હુમલાનો બદલો હોવાનું માનવામાં આવે છે, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 13 લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ AI એ છીનવી 4000 કર્મચારીઓની નોકરી! Twitter ફાઉન્ડર જેક ડોર્સીએ છટણી કરવાનું આપ્યું આ ખાસ કારણ