આફ્રિકન દેશ નાઇજરની રાજધાની નિયામીમાં આવેલું ડાયોરી હમાની આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ગુરુવારે એક મોટા આતંકવાદી હુમલાથી હચમચી ગયું હતું. અલ-કાયદા સાથે જોડાયેલા એક આતંકવાદી સંગઠને એરપોર્ટ સંકુલને હાઇજેક કરી લીધું હતું, જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. 15 કલાક સુધી ચાલેલા તીવ્ર સેન્ય ઓપરેશન બાદ નાઇજરની સેના અને પોલીસે આતંકવાદીઓને ઠાર મારી એરપોર્ટને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યું છે.
આતંકવાદીઓએ અચાનક શરૂ કરી દીધો ગોળીબાર
ગુરુવારે સ્થાનિક સમય મુજબ સવારે 11 વાગ્યે આ હુમલો થયો હતો. આતંકવાદીઓએ અચાનક વિસ્ફોટો અને ગોળીબાર કરીને એરપોર્ટ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ જવાબી કાર્યવાહીમાં નાઇજરના ૧૧ બહાદુર સૈનિકો અને ૨ નાગરિકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે, જ્યારે સુરક્ષા દળોએ ૨૨ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ ઉપરાંત, ૨૦ શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે, જેમના કબજામાંથી મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે, જે તેમના કોઈ મોટા ષડયંત્ર તરફ સંકેત આપે છે.
યુરેનિયમ સ્ટોક અને વ્યૂહાત્મક મહત્વ
નિયામી એરપોર્ટ માત્ર એક નાગરિક વિમાન મથક નથી, પરંતુ તે દેશનું સૌથી મહત્વપૂર્ણ લશ્કરી મથક પણ છે. અહીં G5 સોહેલ આતંકવાદ વિરોધી દળ, રશિયન સૈનિકો અને ડ્રોન યુનિટ તૈનાત છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે એરપોર્ટ પર યુરેનિયમનો સ્ટોક સંગ્રહિત છે. સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે આતંકવાદીઓનો મુખ્ય ઉદ્દેશ્ય આ યુરેનિયમ ભંડાર કબજે કરવાનો હતો, પરંતુ સેનાની ત્વરિત કાર્યવાહીએ તેમના મનસૂબા નિષ્ફળ બનાવ્યા હતા.
સુરક્ષા સામે અનેક સવાલો
નોંધનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં પણ ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા જૂથ દ્વારા એરપોર્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સુરક્ષા વધારવા માટે દિવાલોનું નિર્માણ અને ૩૫૦થી વધુ કેમેરા લગાવવા છતાં ફરી આવો હુમલો થવો એ ગંભીર ચિંતાનો વિષય છે. જાન્યુઆરીમાં થયેલા હુમલા બાદ સુરક્ષા વધારવા માટે લશ્કરી અધિકારીઓએ એરપોર્ટ નજીકની ગેરકાયદેસર વસાહતો પણ તોડી પાડી હતી.
આ પણ વાંચોઃ "પ્રિય મિત્ર નરેન્દ્ર" આ શબ્દો સાથે રાષ્ટ્રપતિ મેક્રોને PM મોદી માટે હિન્દીમાં બનાવ્યો ભાવુક સંદેશ, VIDEO