તાજેતરમાં ફ્રાન્સના પ્રવાસે ગયેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પોતાની વિદેશ યાત્રા પૂર્ણ કરીને ભારત પરત ફરી રહ્યા હતા, ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને તેમને એક અનોખી રીતે વિદાય આપી હતી. રાષ્ટ્રપતિ મેક્રોને સોશિયલ મીડિયા પર હિન્દીમાં એક વીડિયો સંદેશ પોસ્ટ કરીને પીએમ મોદી પ્રત્યેના પોતાના આદર અને મિત્રતા વ્યક્ત કરી હતી, જેણે દુનિયાભરમાં ચર્ચા જગાવી છે.


મેક્રોનનો હિન્દીમાં ભાવુક સંદેશ

વીડિયોમાં રાષ્ટ્રપતિ મેક્રોને હિન્દીમાં કહ્યું, "પ્રિય મિત્ર નરેન્દ્ર, હું નાઇસ, એવિયન અને પેરિસમાં તમારું સ્વાગત કરીને ખૂબ ખુશ છું. ફ્રાન્સ અને ભારત વચ્ચેની મિત્રતા હંમેશા જીવંત રહે." પોતાની હિન્દી ભાષાના પ્રયોગને લઈ તેમણે રમૂજમાં ઉમેર્યું કે, "મને આશા છે કે તે સાચું હતું." તેમણે વધુમાં કહ્યું કે, "ફ્રાન્સ તમને પ્રેમ કરે છે. અમે ફેબ્રુઆરીમાં તમને ફરીથી મળવા આતુર છીએ. જય હિન્દ."

અનેક વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથેની મુલાકાત સફળ

પીએમ મોદી બે દેશોના યુરોપિયન પ્રવાસ પર હતા. તેમણે સ્લોવાકિયાની ઐતિહાસિક મુલાકાત પૂર્ણ કર્યા બાદ એવિયનમાં આયોજિત G-7 સમિટમાં હાજરી આપી હતી, જ્યાં ભારતને મહેમાન દેશ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું હતું. નાઇસમાં 'ઇન્ડિયા ઇનોવેટ્સ' કાર્યક્રમનું ઉદ્ઘાટન અને પેરિસમાં 'વિવાટેક ૨૦૨૬' સમિટને સંબોધન તેમજ અનેક વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથેની મુલાકાતને પીએમ મોદીએ ખૂબ જ ફળદાયી ગણાવી હતી.

પરસ્પર આભારની લાગણી

આ મુલાકાતને અત્યંત સફળ અને અર્થપૂર્ણ ગણાવતા પીએમ મોદીએ રાષ્ટ્રપતિ મેક્રોન, ફ્રેન્ચ સરકાર અને ત્યાંના લોકોનો તેમના ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવનારા સમયમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા વધુ મજબૂત બનશે અને બંને દેશોના સંબંધો નવી ઊંચાઈઓ સર કરશે.

ગુરૂવારે નવી દિલ્હી ફર્યા પરત

પીએમ મોદી ગુરુવારે નવી દિલ્હી પરત ફર્યા છે. આ પ્રવાસમાં થયેલી દ્વિપક્ષીય ચર્ચાઓ અને પરિણામોએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા અને મિત્રતાનો વ્યાપ કેટલો મજબૂત છે. રાષ્ટ્રપતિ મેક્રોનનું આ પ્રકારનું અંગત અને ભાવુક વર્તન ભારત અને ફ્રાન્સ વચ્ચેના ઊંડા વ્યૂહાત્મક સંબંધોનું પ્રતિબિંબ પાડે છે.

આ પણ વાંચોઃ રામ રાજ્યમાં ચોરી કરવા માટે મળતી હતી આવી અજીબો ગરીબ સજા!

  • Follow us on: