પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તીવ્ર અમેરિકા-ઈરાન યુદ્ધ અને સંઘર્ષો વચ્ચે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વિશ્વની તેલ જરૂરિયાતનો મોટો હિસ્સો પૂરો પાડતી 'હોર્મુઝ સ્ટ્રેટ' પહેલેથી જ બંધ થઈ ચૂકી છે, અને હવે ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ સાઉદી અરેબિયા સામે કાર્યવાહી કરતા ઉર્જા અને વેપાર માટેના બીજા અત્યંત મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ 'બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ' પર પણ નાકાબંધી લાદી દીધી છે. આ ઘટનાક્રમે વૈશ્વિક શિપિંગ અને ઉર્જા બજારમાં ભારે હલચલ મચાવી દીધી છે.
બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ કરાયો બંધ
યમનના હુથી બળવાખોરો દ્વારા ત્વરિત અસરથી લાગુ કરાયેલી આ નૌકાદળની નાકાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે તેલ અને ગેસના જહાજોની અવરજવરમાં ભારે વિક્ષેપ પડવાની પૂરી શક્યતા છે. બાબ-અલ-મંડેબ સ્ટ્રેટ એ લાલ સમુદ્રને એડેનના અખાત અને હિંદ મહાસાગર સાથે જોડતો મુખ્ય દરિયાઈ માર્ગ છે, જે સુએઝ નહેરના દક્ષિણ પ્રવેશદ્વાર તરીકે પણ કામ કરે છે. વૈશ્વિક દરિયાઈ વેપારનો આશરે 10 થી 12 ટકા હિસ્સો આ માર્ગ દ્વારા થાય છે. નિષ્ણાતોના અહેવાલો અનુસાર, જો આ માર્ગ પરનો અવરોધ લાંબો સમય ચાલશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ (ક્રૂડ ઓઇલ) ના ભાવ પ્રતિ બેરલ 200 ડૉલર સુધીની ઊંચી સપાટીએ પહોંચી શકે છે.
