યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા વિરુદ્ધ મોટું પગલું ભરતા કેનેડિયન આયાત પર ૫૦% ટેક્સ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. સોમવારે વ્હાઇટ હાઉસ દ્વારા જારી કરાયેલી ઘોષણા મુજબ, આ નવો ટેરિફ આગામી 30 દિવસની અંદર અમલમાં આવી જશે. આ નવા નિર્ણયથી કેનેડામાંથી આયાત થતા ઇલેક્ટ્રિકલ સાધનો, મશીનરી, ઓટોમોબાઈલ, દારૂ અને ડેરી ઉત્પાદનો સીધા પ્રભાવિત થશે. જોકે, ઊર્જા, પોટાશ અને અન્ય કેટલીક ક્ષેત્ર-વિશિષ્ટ આયાતોને આ ટેરિફમાંથી મુક્તિ આપવામાં આવી છે.

50% સુધીનો ટેરિફ લાદવાની કરી જાહેરાત

વ્હાઇટ હાઉસના નિવેદનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કેનેડા દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કરવામાં આવતા અન્યાયી વ્યવહાર અને અમેરિકન માલ સામેના ભેદભાવને કારણે આ કડક પગલાં લેવામાં આવ્યા છે. ટ્રમ્પે 1930 ના ટેરિફ એક્ટની કલમ 338 નો હવાલો આપ્યો છે, જે રાષ્ટ્રપતિને એવા દેશો સામે કોંગ્રેસની મંજૂરી વિના 50% સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપે છે જેઓ અમેરિકન માલ સામે ભેદભાવ કરતા હોય.

ટેરિફ લાદવાથી વેપાર બજારોમાં ચિંતા વધી

અગાઉ એવું માનવામાં આવતું હતું કે કેનેડામાં ફાટી નીકળેલી ભીષણ આગને કારણે અમેરિકાને થયેલા નુકસાનના જવાબમાં આ ધમકી આપવામાં આવી હતી, પરંતુ વહીવટી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી અલગ કારણોસર લેવાઈ છે. આ અગાઉ પણ ટ્રમ્પે અનેક દેશો પર ટેરિફ લાદ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવી રિફંડ આપવાનો આદેશ આપ્યો હતો. હવે કેનેડા પર ફરીથી 50% ટેક્સ લાદવાના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય વેપાર બજારોમાં નવી ચિંતાઓ અને હલચલ મચી ગઈ છે.

આ પણ વાંચોઃ Jammu Kashmir: ભારે વરસાદને કારણે ચિનાબ નદીનું જળસ્તર વધ્યું, લોકોને સતર્ક રહેવા કરાઇ અપીલ