મોરક્કોમાં 'Gen Z 212'આંદોલન હેઠળ યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે, જે શિક્ષા, સ્વાસ્થ્ય અને ભ્રષ્ટાચારના મુદ્દા પર સરકારનો વિરોધ કરી રહ્યા છે. કિંગ મોહમ્મદ VI આજે સંસદમાં મહત્વપૂર્ણ ભાષણ આપશે. યુવાનોને આશા છે કે રાજા તેમની માગો પર સકારાત્મક પગલું ઉઠાવશે.


સરકારે અપનાવેલી નીતિઓના વિરોધમાં યુવાનો રસ્તા પર

મોરોક્કોના રાજા મોહમ્મદ VI શુક્રવારે સંસદના ઉદ્ઘાટન સમયે એક મહત્વપૂર્ણ સંબોધન કરવા જઇ રહ્યા છે. આ વખતનું તેમનું ભાષણ છેલ્લા ઘણા વર્ષોમાં આપવામાં આવેલા સંબોધનો કરતા વધુ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે દેશના અનેક શહેરોમાં યુવાઓ સરકારે અપનાવેલી નીતિઓના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આ પ્રદર્શનોમાં યુવાનો શાળાઓ અને દવાખાનાઓ માટે વધુ ફંડની માંગ કરી રહ્યા છે અને 2030 FIFA વર્લ્ડ કપની તૈયારીમાં ખર્ચાતા અરબો રૂપિયાનો વિરોધ કરી રહ્યા છે. યુવાનોએ રાજાને એક પત્ર લખીને ભ્રષ્ટાચારના મામલે દખલ કરવાની પણ માગ કરી છે. નોંધનીય છે કે અગાઉ નેપાળમાં Gen Z દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનોએ દેશમાં સત્તા જ પલટાવી દીધી હતી.

27 સપ્ટેમ્બરથી અનેક શહેરોમાં ચાલી રહ્યાં છે પ્રદર્શન

નોંધનીય છે કે 27 સપ્ટેમ્બરથી મોરોક્કોના અનેક શહેરોમાં યુવાનો જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે. આ આંદોલનને 'Gen Z 212' નામ આપવામાં આવ્યું છે, જે મોરોક્કો માટેનો ડાયલિંગ કોડ +212 પરથી પ્રેરિત છે. આ યુવાનો TikTok અને Discord જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંગઠિત થયા છે. 2011 ની અરબ સ્પ્રિંગ પછીનું આ યુવાનોનું સૌથી મોટું આંદોલન ગણાય છે. યુવાનોએ રાજાને ખુલ્લો પત્ર મોકલ્યો છે, જેમાં તેમણે વડાપ્રધાન અઝીઝ અખનૌશની સરકારને હટાવવા, રાજકીય કેદીઓને મુક્ત કરવા અને ભ્રષ્ટ નેતાઓને સજા આપવા માટે એક મંચ રચવાની માંગ કરી છે.

રાજા પાસે યુવાનોને છે ઘણી અપેક્ષા

આપને જણાવી દઇએ કે રાજા મોહમ્મદ VIને ક્યારેક ‘ગરીબોનો રાજા’ તરીકે ઓળખવામાં આવતો હતો, પરંતુ હવે લોકો દેશમાં ધીમી પ્રગતિ અને અમીર-ગરીબ વચ્ચે વધી રહેલી ખાઈથી નારાજ છે. ચાલુ વર્ષની જુલાઇમાં તેતોઆનમાં આપેલા એક ભાષણમાં રાજાએ કહ્યું હતું કે, હું ત્યાં સુધી સંતોષી નહીં થઉં જ્યાં સુધી અમારી સિદ્ધિઓ દરેક વર્ગ અને દરેક વિસ્તારમાં લોકોના જીવનને સુધારી ન નાખે." લોકો આશા રાખી રહ્યાં છે કે આજના સંબોધનમાં રાજા તેમની માંગો અંગે જવાબ આપશે.


  • Follow us on: