ચોમાસાની ઋતુ (મોનસૂન) ભારતીય ઉપખંડના દેશો માટે કૃષિનો મુખ્ય આધાર ગણાય છે. ભારતની જેમ જ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ વરસાદની શરૂઆત થતાં જ ખેતરોમાં ખરીફ સીઝનની ગતિવિધિઓ ઝડપી બની જાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ બંને દેશોની માટી, હવામાન અને પરંપરાગત પાકો ઘણા અંશે મળતા આવે છે, તેમ છતાં આંતરમાળખાકીય સુવિધાઓ, સરકારી સહાય અને આધુનિક ટેકનોલોજીના અભાવે પાકિસ્તાનમાં ખેતી કરવાની પદ્ધતિ ભારત કરતાં ઘણી અલગ અને પડકારજનક છે.
ખેડૂતો સૌથી વધુ કપાસની ખેતી કરે છે
મીડિયા અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં ચોમાસા દરમિયાન ખેડૂતો સૌથી વધુ કપાસ (Cotton), ડાંગર (Paddy), મકાઈ, શેરડી અને બાજરી જેવા પાકો પર નિર્ભર રહે છે. તેમાં પણ પાકિસ્તાનનું પંજાબ અને સિંધ પ્રાંત કપાસ તેમજ ચોખાના ઉત્પાદન માટેનું સૌથી મોટું હબ માનવામાં આવે છે. કપાસ ત્યાંનો મુખ્ય રોકડીયો પાક છે અને તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા તેમજ ટેક્સટાઈલ ઉદ્યોગની કરોડરજ્જુ છે. આ ઉપરાંત, ત્યાં ચોખાની ખેતી પણ મોટા પાયે થાય છે, જેનો એક મોટો હિસ્સો તે વિદેશોમાં નિકાસ (Export) કરે છે.
ભારત-પાકિસ્તાનની કૃષિ વ્યવસ્થામાં તફાવત
પરંતુ, ભારત અને પાકિસ્તાનની કૃષિ વ્યવસ્થા વચ્ચે એક મોટો તફાવત છે. પાકિસ્તાનની સમગ્ર ખેતી અને સિંચાઈ વ્યવસ્થા મુખ્યત્વે સિંધુ નદી (Indus River) અને તેની આસપાસ ફેલાયેલી નહેરોની સિસ્ટમ પર આધારિત છે. જો નહેરોમાં સમયસર પાણી ન આવે અથવા ચોમાસું નબળું રહે, તો ત્યાં પાક નિષ્ફળ જવાનું જોખમ ઘણું વધી જાય છે. બીજી તરફ, ભારતમાં નહેરો ઉપરાંત અદ્યતન ટ્યુબવેલ, નદીઓ, ચેકડેમ, ભૂગર્ભ જળ અને પીએમ ક્રોપ ઈન્સ્યોરન્સ જેવી મજબૂત સરકારી નીતિઓનું નેટવર્ક છે, જે ખેડૂતોને સુરક્ષા આપે છે.
ખેતીનો ખર્ચ ભારત કરતાં ઘણો વધારે છે.
આ સિવાય, પાકિસ્તાનમાં ખેતીનો ખર્ચ ભારત કરતાં ઘણો વધારે છે. ત્યાં ઉત્તમ ગુણવત્તાના બિયારણ, રાસાયણિક ખાતરો (ખાસ કરીને યુરિયા અને ડીએપી) અને ડીઝલની ભારે અછત રહે છે, જેના કારણે કાળાબજારી વધે છે અને સામાન્ય ખેડૂતો પર આર્થિક બોજ વધે છે. જ્યારે ભારતમાં સરકાર દ્વારા ખેડૂતોને ખાતર, વીજળી અને સોલાર પંપ પર મોટી સબસિડી આપવામાં આવે છે. ભારતીય ખેડૂતો હવે ટેકનોલોજી, ઓર્ગેનિક ખેતી અને બાગાયતી પાકો તરફ ઝડપથી વળી રહ્યા છે, જે વિવિધતા પાકિસ્તાનની મોનો-ક્રોપ (મર્યાદિત પાક) પદ્ધતિમાં જોવા મળતી નથી.
આ પણ વાંચો:PM Modi: ઇટાલીના PM મેલોની ભારતમાં ભવ્ય આતિથ્ય સત્કારથી ભાવુક થઈ ગયા?"દિલ્હીથી ચૂંટણી લડો તો 10 લાખ વોટ પાકા!"