ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની રાજદ્વારી નિકટતા અને મિત્રતા હંમેશા વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય રહી છે. તાજેતરમાં જ્યોર્જિયા મેલોનીના નવા બહાર આવેલા પુસ્તક 'જ્યોર્જિયાઝ વિઝન' (Giorgia's Vision) માં તેમણે પોતાના 2023 ના ભારત પ્રવાસના કેટલાક અત્યંત રસપ્રદ અને હૃદયસ્પર્શી સંસ્મરણો તાજા કર્યા છે. આ પુસ્તક વરિષ્ઠ પત્રકાર એલેસાન્ડ્રો સાલુસ્તી સાથેની તેમની સ્પષ્ટ વાતચીત પર આધારિત છે, જેમાં મેલોનીએ દિલ્હીમાં મળેલા ભવ્ય અને અનોખા આતિથ્ય સત્કારનો ઉલ્લેખ કર્યો છે.  


મેલોનીએ પુસ્તકના 'હેડ હેલ્ડ હાઈ એમંગ ધ વર્લ્ડ ગ્રેટ્સ' પ્રકરણમાં લખ્યું છે કે, જ્યારે તેઓ માર્ચ 2023 માં સત્તાવાર દ્વિપક્ષીય વાટાઘાટો અને 'રાયસીના ડાયલોગ' માટે નવી દિલ્હી પહોંચ્યા, ત્યારે રસ્તાઓ પર દર થોડા અંતરે તેમના સ્મિત કરતા ચહેરાવાળા મોટા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, જેના પર 'વેલકમ' લખેલું હતું. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે તેમનો પ્રવાસ પૂરો થયો અને તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે તે જ ચિત્ર સાથેના પોસ્ટરો પર 'મુલાકાત માટે ધન્યવાદ' (Thank you for visiting) લખાઈ ગયું હતું.  

ઇટાલીના ડેપ્યુટી PM એન્ટોનિયોએ શું કહ્યું?

આ ભવ્ય સ્વાગત જોઈને તેમની સાથે આવેલા ઇટાલીના ડેપ્યુટી પીએમ એન્ટોનિયો તાજાનીએ હસતા હસતા એક સરસ મજાક કરી હતી. તાજાનીએ મેલોનીને કહ્યું હતું, "જો તમે આટલી બધી લોકપ્રિયતા સાથે નવી દિલ્હીની કોઈ બેઠક પરથી ચૂંટણી લડો, તો તમને આરામથી 10 લાખ (એક મિલિયન) વોટ મળી જશે!"  

મોદી સાથેના સંબંધોને મજબૂત ગણાવ્યા 

મેલોનીએ પોતાના પુસ્તકમાં ભારપૂર્વક જણાવ્યું છે કે ડિપ્લોમસી માત્ર કડક પ્રોટોકોલ અને બંધ રૂમની ઔપચારિક બેઠકોથી નથી ચાલતી, પરંતુ તેમાં વ્યક્તિગત કેમિસ્ટ્રી, સામાન્ય રસના વિષયો અને પરસ્પર વિશ્વાસ ખૂબ મોટો ભાગ ભજવે છે. સોશિયલ મીડિયા પર 'મેલોડી' (Melodi) તરીકે પ્રખ્યાત બનેલી આ જોડીની મિત્રતાનો ઉલ્લેખ કરતા તેમણે પીએમ મોદી સાથેના સંબંધોને મજબૂત ગણાવ્યા છે.  

આ પુસ્તકમાં માત્ર ભારત જ નહીં, પરંતુ વિશ્વના અન્ય નેતાઓ સાથેના તેમના બિનઔપચારિક સંબંધો જેવા કે ટ્યુનિશિયાના રાષ્ટ્રપતિ સાથે સમુદ્ર કિનારે વિતાવેલી પળો અથવા જાપાનના પૂર્વ પીએમ દ્વારા તેમની પુત્રી માટે મોકલાયેલ રમકડું વગેરે જેવી નાની પણ પ્રભાવશાળી ક્ષણોનો પણ ઉલ્લેખ છે. આ પુસ્તક ભારતમાં રૂપા પબ્લિકેશન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે, જે નેતૃત્વ અને વૈશ્વિક રાજકારણને એક માનવીય દ્રષ્ટિકોણથી રજૂ કરે છે.  

આ પણ વાંચો:Venezuela Earthquake Miracle: વેનેઝુએલામાં વિનાશ વચ્ચે ચમત્કાર, ભૂકંપના કાટમાળમાંથી નવજાત શિશુનો અદ્ભૂત બચાવ, જુઓ વીડિયો



  • Follow us on: