આજે કૃત્રિમ બુદ્ધિ (AI) આપણું કામ સરળ બનાવી રહી છે, પરંતુ AI સલામતી સંશોધક નિકોલા જુર્કોવિચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ખુલ્લો પત્ર લખીને દુનિયાને ગંભીર ચેતવણી આપી છે. તેમના મતે, જો AI ના વિકાસને કડક વૈશ્વિક નિયમો દ્વારા નિયંત્રિત કરવામાં નહીં આવે, તો 2027 માં તે કોવિડ-19 રોગચાળા કરતાં પણ વધુ ભયાનક વિનાશ નોતરી શકે છે.
માનવ મગજને પાછળ છોડી દેશે AI
નિકોલા જુર્કોવિચે પત્રમાં દાવો કર્યો છે કે AI પરથી માનવ નિયંત્રણ સતત નબળું પડી રહ્યું છે અને આ વર્ષે AI સંબંધિત હેકિંગ તથા સિસ્ટમ નિષ્ફળતાની ઘણી ગંભીર ઘટનાઓ બની છે. તેમણે અંદાજ લગાવ્યો છે કે 2027 સુધીમાં AI માનવ મગજ કરતાં પણ વધુ સક્ષમ એટલે કે 'સુપરહ્યુમન' બની જશે. જો AI વિકાસની ગતિ ધીમી નહીં કરવામાં આવે, તો 2030 ના અંત સુધીમાં માનવજાતના લુપ્ત થવાનું કે AI સામે શક્તિ ગુમાવવાનું જોખમ 50 ટકા જેટલું ઊંચું હોઈ શકે છે. જોકે, તેમણે આ દાવા પાછળ કોઈ નક્કર તથ્યો રજૂ કર્યા નથી.


