બરમુડાથી બોસ્ટન જઈ રહેલી એક કેનેડિયન-રજિસ્ટર્ડ એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ એટલાન્ટિક મહાસાગર ઉપર અચાનક ગાયબ થઈ ગયા બાદ તેના અવશેષો યુએસએના મેસેચ્યુસેટ્સ રાજ્યમાં નેન્ટુકેટના કિનારેથી મળી આવ્યા છે. આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં ચાર ક્રૂ મેમ્બર અને બે મુસાફરો સહિત કુલ છ લોકો સવાર હતા, જેમાં કેનેડા અને બર્મુડાના નાગરિકો સામેલ છે. યુએસ કોસ્ટ ગાર્ડ દ્વારા આ વિસ્તારમાં સતત શોધખોળ અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે.

એર એમ્બ્યુલન્સ ફ્લાઇટ એટલાન્ટિકમાં ગાયબ

પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે વહેલી સવારે જ્યારે આ મેડિકલ ટ્રાન્સપોર્ટ પ્લેન ઉડાન ભરી રહ્યું હતું ત્યારે માર્ગમાં ભારે વાવાઝોડું આવ્યું હતું. એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ના ઓડિયો રેકોર્ડિંગ પરથી ખુલાસો થયો છે કે વિમાનના કોકપીટમાં અચાનક ગંભીર ઇલેક્ટ્રિકલ સમસ્યાઓ સર્જાઈ હતી અને તેના નેવિગેશન સાધનોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. વાવાઝોડા અને સાધનોની નિષ્ફળતાને કારણે પાઇલટને 'બ્લાઇન્ડ ફ્લાઇટ' (આંધળી ઉડાન) ભરવાની ફરજ પડી હતી અને તેણે કટોકટી જાહેર કરી હતી.
https://twitter.com/Activewurld_/status/2106443736452333936

24,000 ફૂટથી અચાનક નીચે આવી ફ્લાઇટ

ફ્લાઇટ ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે વિમાન અચાનક આશરે 24,000 ફૂટની ઊંચાઈથી ઝડપથી નીચે ઉતરીને 10,000 ફૂટથી પણ નીચે આવી ગયું હતું. ઉડ્ડયન વિશેષજ્ઞોના મતે, ખરાબ હવામાન અને સાધનોના ફેલ થવાને કારણે પાઇલટે દિશા અને કાબૂ ગુમાવ્યો હોવાની શક્યતા છે. બર્મુડાના એરપોર્ટ ઓપરેટર 'સ્કાયપોર્ટ' અને કેનેડાના પરિવહન પ્રધાન સ્ટીવન મેકકિનોને આ ઘટના પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે અને સંબંધિત અધિકારીઓ સંયુક્ત રીતે આ દુર્ઘટનાના કારણોની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Smit Machchhar: કોકપીટમાં કેપ્ટન પર ચપ્પુથી નહીં ક્રેશ કુહાડીથી કરાયો હતો હુમલોઃ UAE