સાઉદી અરેબિયામાં નાગરિક માળખાગત સુવિધાઓ અને ઉર્જા ક્ષેત્રો પર થઈ રહેલા સતત હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતની ફ્લેગ કેરિયર એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે સાઉદી તરફની પોતાની વિમાન સેવાઓ મુલતવી રાખવાનો મોટો નિર્ણય લીધો છે. ભારતીય દૂતાવાસે આપેલી માહિતી અનુસાર, રિયાધ અને દમ્મામ જતી તથા ત્યાંથી આવતી ફ્લાઇટ્સને 7 નવેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી છે. આ ઉપરાંત, જેદ્દાહ માટેની ફ્લાઇટ્સ પણ 31 ઓક્ટોબર સુધી રદ રહેશે.
એરપોર્ટ્સ પર જોખમ અને વિમાન સેવાઓ પર અંકુશ
સાઉદી અરેબિયાના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટ્સ જેવા કે રિયાધ અને દમ્મામમાં સતત સુરક્ષા જોખમ અને હુમલાની સ્થિતિ નિર્માણ પામી છે. નાગરિકો અને વિમાનોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. એમ્બેસી અનુસાર, પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી સેવાઓ પૂર્વવત કરવામાં આવશે નહીં અને મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અને સમયસર અપડેટ મેળવવા માટે એરલાઇન્સના સંપર્કમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
યાત્રાળુઓને સ્વદેશ પરત લાવવાની ઝુંબેશ
બીજી તરફ, ભારત સરકારે સાઉદી અરેબિયામાં ફસાયેલા ભારતીય ઉમરાહ યાત્રાળુઓની સુરક્ષિત પરત ફરી માટેના પ્રયાસો ઝડપી બનાવ્યા છે. વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયા દરમિયાન સાઉદી અરેબિયાથી આશરે 3,000 જેટલા ફસાયેલા ઉમરાહ યાત્રાળુઓને ભારત સફળતાપૂર્વક પરત લાવવામાં આવ્યા છે. આ સિવાય 10,000થી વધુ અન્ય શ્રદ્ધાળુઓ પણ સુરક્ષિત રીતે સ્વદેશ પહોંચ્યા છે.
જેદ્દાહ અને રિયાધમાં ભારતીય દૂતાવાસ તથા કોન્સ્યુલેટ દ્વારા 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. સ્થાનિક સ્વયંસેવકોના સહયોગથી બાકીના યાત્રાળુઓની વહેલી તકે વાપસી માટે ટૂર ઓપરેટરો અને એરલાઇન્સ સાથે સતત સંકલન કરવામાં આવી રહ્યું છે.
હુમલામાં ભારતીય નાગરિકનું મોત અને ભારતની પ્રતિક્રિયા
ભારતે સાઉદી અરેબિયાની સિવિલિયન અને એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ખાસ કરીને કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અરામકોના શાયબાહ તેલ ક્ષેત્ર પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે દમ્મામ એરપોર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીય નાગરિકનું દુઃખદ અવસાન થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા, જ્યારે શાયબાહ તેલ ક્ષેત્રમાં અન્ય એક ભારતીય નાગરિક ઇજાગ્રસ્ત થયો હતો. ભારતે પશ્ચિમ એશિયાના આ પ્રદેશમાં વહેલી તકે શાંતિ અને સુલેહ સ્થપાય તેવી આશા વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ Saudi ના એરપોર્ટ અને ઓઇલ કંપનીઓને બનાવ્યા નિશાન, હુતીઓનો મક્કા મદીના પર હુમલાથી ઇનકાર