બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલની સિસ્ટમમાં ગંભીર ટેક્નિકલ ખામી સર્જાવાને કારણે મંગળવારે બ્રિટનના એરપોર્ટ્સ પર એક હજારથી વધુ ઉડાનો રદ કરવામાં આવી હતી જેના કારણે હજારો મુસાફરો કલાકો સુધી વિમાનોમાં અને ટર્મિનલ્સ પર ફસાયા હતા.બ્રિટનની નેશનલ એર ટ્રાફિક સર્વિસે સાંજના સમયે ફ્લાઇટ પ્રોસેસિંગ સિસ્ટમની આ સમસ્યાને ઉકેલી લીધી હોવાની જાહેરાત કરી હતી પરંતુ મુસાફરોની લાંબી કતારો અને બેકલોગને સાફ કરવામાં એરપોર્ટ્સ અને એરલાઇન્સને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બ્રિટનના 15 જેટલા એરપોર્ટ્સ પર તેની વ્યાપક અસર જોવા મળી હતી.
હીથ્રો અને ગેટવિક એરપોર્ટ પ્રભાવિત
ગેટવિક એરપોર્ટ પર રાયનએરની આયર્લેન્ડની ફ્લાઇટ પકડવા આવેલા મુસાફરે વિમાનમાં ત્રણ કલાક વિતાવ્યા બાદ તેમની ફ્લાઇટ રદ થઈ હોવાનું જણાવ્યું હતું. તેમણે એરપોર્ટની સ્થિતિ વર્ણવતા કહ્યું હતું કે,ત્યાંથી બહાર નીકળવું એ સાફ્રાસિસ્કો ખાડીની અલ્કાટ્રાઝ જેલમાંથી છૂટવા જેવું મુશ્કેલ લાગતું હતું.લંડનના હીથ્રો એરપોર્ટ પરથી રવાના થતી ઉડાનો તો ફરી શરૂ થઈ ગઈ હતી પરંતુ આ અરાજકતાને કારણે વ્યસ્ત હીથ્રો એરપોર્ટ પર રાત્રિ દરમિયાન આવનારી તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દેવામાં આવી હતી અને આગામી સમયમાં પણ ભારે વિલંબ થવાની ચેતવણી આપવામાં આવી હતી.હીથ્રો એરપોર્ટ પર બાલ્ટીમોર જનારી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટના મુસાફરો ચાર કલાક સુધી જમીન પર વિમાનમાં જ બેસી રહ્યા હતા.
