પશ્ચિમ અલાસ્કાના એક દુર્ગમ અને ગ્રામીણ વિસ્તારમાં ગુરુવારે બનેલી એક ગંભીર દુર્ઘટનામાં ચાર્ટર વિમાન ક્રેશ થતાં તેમાં સવાર તમામ આઠ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત એન્કોરેજથી આશરે 450 માઈલ પશ્ચિમમાં આવેલા કેપ નેવેનહામ લોંગ રેન્જ રડાર સાઇટ એરપોર્ટ નજીક સર્જાયો હતો.  

અલાસ્કામાં ચાર્ટર પ્લેન ક્રેશ

અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સિક્યુરિટી એવિએશન દ્વારા સંચાલિત સિસ્ના 441 (Cessna 441) નામનું આ સિવિલિયન-કોન્ટ્રાક્ટ વિમાન એન્કોરેજથી રવાના થયું હતું અને કેપ નેવેનહામ તરફ પહોંચતી વેળાએ બપોરે આશરે 12.15 વાગ્યે આ દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. આ વિમાનમાં બે પાઇલટ અને છ મુસાફરો સહિત કુલ આઠ લોકો સવાર હતા. આ તમામ લોકો એક દુર્ગમ વાતાવરણમાં મહત્વપૂર્ણ મિશન પર કાર્યરત સમર્પિત વ્યાવસાયિકો હતા, જેઓ અચાનક થયેલી આ દુર્ઘટનામાં કાળનો કોળિયો બની ગયા.  
https://twitter.com/Lev1446491/status/2090667173777687035

વિમાન ક્રેશ પાછળનું ચોક્કસ કારણ નથી જાણી શકાયું

ઘટનાની જાણ થતાં જ અલાસ્કા કમાન્ડ, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB), અલાસ્કા સ્ટેટ ટ્રૂપર્સ અને રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા તાત્કાલિક ધોરણે શોધખોળ અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. યુએસ એરફોર્સના લેફ્ટનન્ટ જનરલ અને અલાસ્કાના ગવર્નર સહિતના શીર્ષ નેતાઓએ આ દુર્ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે તથા પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે. હાલમાં NTSB અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા આ વિમાન ક્રેશ પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.