ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ હજુ યથાવત છે અને પરિસ્થિતિ ફરીથી બગડી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ઈરાનની સેનાએ ચેતવણી આપી છે કે અમેરિકા અને ઈઝરાયલ સાથે યુદ્ધ ફરી શરૂ થઈ શકે છે. ઈરાની સેનાના ડેપ્યુટી અધિકારી મોહમ્મદ જાફર અસાદીએ જણાવ્યું કે અમેરિકા કોઈપણ સમજૂતીનું યોગ્ય રીતે પાલન કરી રહ્યું નથી.


ઈરાનની સેના સંપૂર્ણ રીતે તૈયાર

અસાદીએ આરોપ લગાવ્યો કે અમેરિકન અધિકારીઓના નિવેદનો માત્ર દેખાવ માટે છે. તેમનું કહેવું છે કે અમેરિકા મીડિયા દ્વારા પરિસ્થિતિ સામાન્ય બતાવવા માગે છે, જેથી તેલની કિંમતો નીચે ન જાય અને તે પોતે આ સ્થિતિમાંથી બહાર આવી શકે. તેમણે સ્પષ્ટ કહ્યું કે ઈરાનની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે અને જો કોઈ હુમલો થશે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવશે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેની ચર્ચાના નવા પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. ઈરાનની સરકારી એજન્સી મુજબ, ટ્રમ્પે કહ્યું કે ઈરાન એવી શરતો મૂકી રહ્યું છે જેને તેઓ સ્વીકારી શકતા નથી. તેમણે એ પણ કહ્યું કે ઈરાનના નેતાઓ એકજૂટ નથી અને અલગ-અલગ જૂથોમાં વહેંચાયેલા છે.

60 દિવસની અંદર સંસદથી યુદ્ધ માટે મંજૂરી લેવાની જોગવાઈ

બીજી તરફ ટ્રમ્પનું કહેવું છે કે યુદ્ધ હવે સમાપ્ત થઈ ગયું છે, કારણ કે બંને દેશો વચ્ચે સીઝફાયર લાગુ છે. તેમણે અમેરિકાના વોર પાવર્સ કાયદાની પણ ટીકા કરી, જેમાં 60 દિવસની અંદર સંસદથી યુદ્ધ માટે મંજૂરી લેવાની જોગવાઈ છે. આ દરમિયાન ટ્રમ્પે એક કાર્યક્રમમાં કહ્યું કે અમેરિકા આ યુદ્ધમાં છે કારણ કે “પાગલ લોકોના હાથમાં પરમાણુ હથિયાર ન જાય.” તેમના અનુસાર ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી અટકાવવું ખૂબ જ જરૂરી છે.

આ તરફ ઈરાનમાં છેલ્લા 64 દિવસથી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાગુ છે. દેશ લગભગ સંપૂર્ણપણે આંતરરાષ્ટ્રીય નેટવર્કથી કપાઈ ગયો છે. આ પ્રતિબંધો જાન્યુઆરીમાં શરૂ થયેલા સરકાર વિરોધી પ્રદર્શન બાદ લાગુ કરવામાં આવ્યા હતા અને ફેબ્રુઆરીના અંતમાં વધુ કડક બનાવવામાં આવ્યા હતા. ઈન્ટરનેટ બંધ હોવાથી દેશમાં વેપાર-ધંધા અને દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે.

આ પણ વાંચો : Iranમાં મોટી દુર્ઘટના, બોમ્બ નિષ્ક્રિય કરતી વખતે વિસ્ફોટ થતાં 14 IRGC સૈનિકોના મોત


  • Follow us on: