મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ અત્યંત ગંભીર વળાંક પર પહોંચ્યો છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના લશ્કરી ઓપરેશનના ફૂટેજ બાદ સ્થિતિ વધુ વણસી છે. આ વીડિયોમાં અમેરિકન ફાઇટર જેટ અને ટોમાહોક ક્રુઝ મિસાઇલો દ્વારા ઈરાનના અનેક મહત્વપૂર્ણ લશ્કરી બેઝને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ દેખાય છે. યુએસએસ અબ્રાહમ લિંકન એરક્રાફ્ટ કેરિયરથી ઉડાન ભરતા F/A-18E સુપર હોર્નેટ જેટ્સે ઈરાની મિસાઇલ લોન્ચર્સ, ડ્રોન સાઇટ્સ અને ટેલિકોમ્યુનિકેશન ટાવર્સ પર તીવ્ર હુમલા કર્યા છે.

ઈરાનના એર ડિફેન્સ સિસ્ટમ્સને મોટું નુરસાન પહોંચાડ્યુ

સેન્ટકોમના અહેવાલ મુજબ, આ હુમલાઓ દરમિયાન ઈરાનના કમાન્ડ સેન્ટર્સ અને એર ડિફેન્સ સિસ્ટમ્સને મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ લશ્કરી કાર્યવાહી માત્ર બેઝ સુધી સીમિત નથી, પરંતુ અમેરિકાએ હવે ઈરાન તરફ આવતા અને જતા જહાજો પર કડક નાકાબંધી લાદીને આર્થિક અને વ્યૂહાત્મક દબાણ વધાર્યું છે. યુએસ સૈન્યનું સ્પષ્ટ માનવું છે કે આ કાર્યવાહી હજુ સમાપ્ત થઈ નથી અને ભવિષ્યમાં વધુ આક્રમક પગલાં લેવામાં આવી શકે છે.
https://twitter.com/CENTCOM/status/2077563991069499714

અઝરાક એર બેઝ પર ડ્રોન હુમલો 

બીજી તરફ, ઈરાને પણ આ હુમલાઓનો સખત જવાબ આપવાનો દાવો કર્યો છે. ઈરાની સેનાના જણાવ્યા અનુસાર, તેમણે 'ઓપરેશન સૈકેહ' હેઠળ જોર્ડનમાં આવેલા અઝરાક એર બેઝ પર ડ્રોન હુમલો કર્યો છે, જેમાં અમેરિકન રડાર સ્ટેશન અને ઇંધણ સંગ્રહ સુવિધાઓને નુકસાન થયું છે. ઈરાનનો આરોપ છે કે તેમના બામપુર બેરેક પર થયેલા હુમલામાં તેમના સાત સૈનિકો શહીદ થયા હતા, જેના બદલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે.

કુવૈતને અપાઇ ચેતવણી

તણાવમાં વધારો ત્યારે થયો જ્યારે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ કુવૈતસ્થિત અલી અલ સાલેમ એર બેઝ પર પણ હુમલો કરવાનો દાવો કર્યો છે. IRGC એ આ હુમલાને 'ઓપરેશન નસર 2' ગણાવ્યું છે અને કુવૈતને અમેરિકન સૈનિકોને તેમના દેશમાંથી હાંકી કાઢવા માટે ચેતવણી આપી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની આ પરસ્પર ખેંચતાણ અને સૈન્ય ગતિવિધિઓએ માત્ર તેહરાન કે વોશિંગ્ટન જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં અશાંતિનો ભય પેદા કર્યો છે. આ સંઘર્ષ આવનારા દિવસોમાં કેવું સ્વરૂપ ધારણ કરશે, તે અંગે વૈશ્વિક સ્તરે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચોઃ America : તુ મુસ્લિમ છે કહીને ભારતીય યુવાન પર છરીથી કર્યો વાંરવાર ઘાતક હુમલો