વૈશ્વિક ભૂરાજનીતિ અને આંતરરાષ્ટ્રીય તેલ બજારમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયના તણાવ બાદ, અમેરિકા અને ઈરાન વચ્ચે પડદા પાછળની વાટાઘાટો ફળીભૂત થઈ છે. તાજેતરમાં ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક નિવેદનોને પગલે વાટાઘાટોનું વાતાવરણ ડહોળાયું હતું અને ઈરાની પ્રતિનિધિઓ વોકઆઉટ કરી ગયા હતા, પરંતુ આ જાહેર તણાવની પાછળ ટેકનિકલ ટીમો દ્વારા 'બેક-ચેનલ' ચર્ચાઓ સતત ચાલુ રહી હતી. આખરે, બંને દેશો વચ્ચે એક મોટા એમઓયુ (MoU) પર હસ્તાક્ષર કરવામાં સફળતા મળી છે.
ઇરાની ઓઇલ વેચાણ પરના પ્રતિબંધો હટાવ્યા
આ કરારના ભાગરૂપે અમેરિકાએ ઈરાની તેલ વેચાણ પરના વર્ષો જૂના કડક પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવી લીધા છે. આ નિર્ણયની અસર તરત જ બજારમાં દેખાવા લાગી છે. ઈરાને પ્રતિબંધો દૂર થતા જ આક્રમક રીતે વૈશ્વિક બજારમાં પ્રવેશ કર્યો છે અને છેલ્લા એક જ અઠવાડિયામાં ૩૬ મિલિયન બેરલ ક્રૂડ ઓઈલનો રેકોર્ડ પુરવઠો વિશ્વભરમાં પહોંચાડ્યો છે. વધુમાં, અન્ય 36 મિલિયન બેરલનો જથ્થો ટૂંક સમયમાં બજારમાં આવવાની તૈયારીમાં છે, જેનાથી ક્રૂડ ઓઈલના ભાવમાં અને વૈશ્વિક ઉર્જા સપ્લાયમાં મોટો બદલાવ આવવાની ધારણા છે.










