સ્વિટ્ઝર્લૅન્ડના બુર્ગેનસ્ટોક રિસોર્ટ ખાતે રવિવારે યોજાયેલી ઈરાન અને અમેરિકા વચ્ચેની ઉચ્ચ સ્તરીય બેઠક ભારે તણાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી. ઈસ્લામાબાદ સમજૂતી કરાર (MoU) હેઠળ યોજાયેલી આ બેઠકમાં અમેરિકા, ઈરાન, પાકિસ્તાન અને કતારના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. બેઠકની શરૂઆતમાં પરંપરાગત રીતે ફોટો ઓપ અને હાથ મિલાવવાની વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ઈરાનના મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફ અને વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ તેમાં ભાગ લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.


સોશિયલ મીડિયા પર કરાયેલી ટિપ્પણી ભારે પડી

આ તણાવનું મુખ્ય કારણ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ટિપ્પણી હતી. ટ્રમ્પે લેબનોનમાં ઈરાની પ્રોક્સી જૂથો પર પ્રતિબંધ મૂકવાની ચેતવણી આપી હતી, જેનાથી ઈરાની પ્રતિનિધિમંડળ રોષે ભરાયું હતું. જોકે, બંને પક્ષોના અધિકારીઓ થોડા સમય માટે એક જ રૂમમાં હાજર રહ્યા હતા, પરંતુ ઈરાને પોતાનું કડક વલણ જાળવી રાખ્યું હતું. ઈરાની અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે ટ્રમ્પની ધમકીભરી ભાષા વચ્ચે સહકારના દ્રશ્યો સર્જવા શક્ય નથી.

પાકિસ્તાન અને કતારના પ્રયાસો સફળ રહ્યા

આ મુશ્કેલ પરિસ્થિતિ છતાં, મધ્યસ્થી તરીકે કામ કરતા પાકિસ્તાન અને કતારના પ્રયાસો સફળ રહ્યા હતા. બંને દેશોએ સંયુક્ત નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે બેઠકમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. વાટાઘાટોની પ્રક્રિયાને આગળ વધારવા માટે તમામ પક્ષો એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરવા સહમત થયા છે. આ સમિતિ સમગ્ર મધ્યસ્થી પ્રક્રિયાનું રાજકીય નિરીક્ષણ કરશે અને પરમાણુ મુદ્દાઓ, પ્રતિબંધો તથા સમજૂતી કરારના અમલીકરણ પર દેખરેખ રાખશે.

ફોટો ઓપ માટે ઇરાનનો ઇનકાર

આ હેતુ માટે અલગ-અલગ કાર્યકારી જૂથોની રચના કરવામાં આવશે, જે દેખરેખ અને વિવાદ નિરાકરણનું કામ કરશે. આમ, મીટિંગમાં જોવા મળેલા રાજદ્વારી ડ્રામા અને વ્યક્તિગત કડવાશ હોવા છતાં, વાટાઘાટોને મિકેનિઝમ હેઠળ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભલે ઈરાને ફોટો ઓપ માટે ના પાડી હોય, પરંતુ આ નવી સમિતિની રચના એ દર્શાવે છે કે બંને પક્ષો વાટાઘાટોના ટેબલ પર ટકી રહેવા માટે ગંભીર છે. હવે જોવાનું એ છે કે આ ઉચ્ચ-સ્તરીય સમિતિ ટ્રમ્પની ચેતવણીઓ અને ગ્રાઉન્ડ રિયાલિટી વચ્ચે કેવો સંતુલન સાધે છે.

આ પણ વાંચોઃ Israel: દક્ષિણ લેબનોનમાં સૈન્ય ત્યાં જ તૈનાત રહેશે, US ઇરાન વાર્તા વચ્ચે નેતન્યાહૂનો સ્પષ્ટ સંદેશ


  • Follow us on: