જેરુસલેમમાં આયોજિત 'JNS ઇન્ટરનેશનલ પોલિસી સમિટ ૨૦૨૬'માં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ઈઝરાયલની સુરક્ષા નીતિ અંગે અત્યંત આક્રમક અને સ્પષ્ટ વલણ અપનાવ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં ચાલી રહેલી અમેરિકા-ઈરાન વાટાઘાટોની પૃષ્ઠભૂમિમાં, નેતન્યાહૂએ બે મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો: ઈરાનનો પરમાણુ કાર્યક્રમ અને દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સેનાની હાજરી.
ઇરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો નહીં મળે
નેતન્યાહૂએ પુનરોચ્ચાર કર્યો કે જ્યાં સુધી તેઓ ઇઝરાયલના વડા પ્રધાન છે, ત્યાં સુધી ઈરાનને ક્યારેય પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવા દેવામાં આવશે નહીં. તેમણે દાવો કર્યો કે ઇઝરાયલે યુએસ એરફોર્સ અને સેનાના સહયોગથી 'ઓપરેશન રાઇઝિંગ લાયન' અને 'ઓપરેશન રોરિંગ લાયન' દ્વારા ઈરાનના પરમાણુ માળખાને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે. તેમના મતે, આ સૈન્ય કાર્યવાહી વિના આજે ઈરાન પાસે પરમાણુ બોમ્બ હોત, જે ઇઝરાયલ માટે અસ્તિત્વનું જોખમ બની શક્યું હોત.
પોતાના નાગરિકોની સુરક્ષા માટે આ પગલાં અનિવાર્ય
દક્ષિણ લેબનોનમાં ઇઝરાયલી સૈનિકોની હાજરી અંગે નેતન્યાહૂએ જણાવ્યું હતું કે આ કોઈ આક્રમક પગલું નથી, પરંતુ માત્ર પોતાના નાગરિકોની સુરક્ષા માટેની અનિવાર્યતા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી સુરક્ષાની જરૂરિયાત રહેશે, ત્યાં સુધી ઇઝરાયલી સેના દક્ષિણ લેબનોનના સુરક્ષિત ક્ષેત્રમાં તૈનાત રહેશે. કોઈ પણ દેશ તેના લોકોની સલામતી સાથે બાંધછોડ ન કરી શકે, તેવું તેમણે ભારપૂર્વક કહ્યું હતું.
ઇઝરાયલના વલણમાં કોઇ ફેરફાર નહીં થાય
આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી વાટાઘાટો પર ટિપ્પણી કરતા નેતન્યાહૂએ જણાવ્યું હતું કે વાટાઘાટોના પરિણામો ગમે તે હોય, ઇઝરાયલના વલણમાં કોઈ ફેરફાર થશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇઝરાયલની લડાઈ લેબનોન રાષ્ટ્ર સાથે નથી, પરંતુ માત્ર 'હિઝબુલ્લાહ' નામના આતંકવાદી સંગઠન સાથે છે. તેમના મતે, હિઝબુલ્લાહ ઇઝરાયલની સાથે લેબનોનને પણ નુકસાન પહોંચાડી રહ્યું છે.
બંને દેશ વચ્ચે શાંતિકરાર શક્ય થઇ શકે છે
ભવિષ્ય તરફ આશાવાદી દૃષ્ટિકોણ રાખતા નેતન્યાહૂએ કહ્યું કે, જો હિઝબુલ્લાહને નિઃશસ્ત્ર કરી શકાય અથવા તેને સંપૂર્ણપણે નાબૂદ કરી શકાય, તો જ ભવિષ્યમાં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે એક સ્થાયી શાંતિ કરાર શક્ય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ આવા કોઈ શાંતિપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવા માટે આતુર છે. નેતન્યાહૂએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ઇઝરાયલ પોતાની સુરક્ષા બાબતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય દબાણ કે વાટાઘાટોથી વિચલિત થનાર નથી.
આ પણ વાંચોઃ Qatar: ગેસ પ્લાન્ટમાં ભીષણ વિસ્ફોટ, 18 લોકો ગુમ, વૈશ્વિક બજારમાં ચિંતા