અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે ભારત માટે ઊર્જા ક્ષેત્રમાં મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વ્હાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા ભારતને વેનેઝુએલાનું ક્રૂડ તેલ ખરીદવાની મંજૂરી આપવા તૈયાર છે, પરંતુ આ વ્યવસ્થા સંપૂર્ણપણે અમેરિકાની દેખરેખ અને નિયંત્રણ હેઠળ રહેશે.
વેનેઝુએલાના તેલનો વેપાર હવે કડક નિયંત્રિત
અમેરિકાના એનર્જી સેક્રેટરી ક્રિસ્ટોફર રાઈટે જણાવ્યું હતું કે વેનેઝુએલાના તેલનો વેપાર હવે કડક નિયંત્રિત માળખા હેઠળ થશે. તેમના જણાવ્યા મુજબ, તેલનું માર્કેટિંગ અમેરિકી સરકાર દ્વારા કરવામાં આવશે અને તેની આવક સીધી નિયંત્રિત ખાતાઓમાં જમા થશે. એટલે કે ભારત તેલ ખરીદી શકશે, પરંતુ ચુકવણી અને સપ્લાય પ્રક્રિયામાં સંપૂર્ણ અમેરિકી નિયંત્રણ રહેશે.
ભારત માટે આ ફાયદાકારક
અમેરિકાએ વેનેઝુએલા પર પ્રતિબંધ મૂક્યા હતા તે પહેલાં ભારત વેનેઝુએલાથી ઘણું તેલ ખરીદતું હતું. ભારત પાસે એવી મોટી અને આધુનિક રિફાઇનરીઓ છે, જે ખાસ કરીને ભારે અને ઘાટા પ્રકારનું તેલ પ્રોસેસ કરી શકે છે. વેનેઝુએલાનું તેલ આવું જ ભારે ક્રૂડ તેલ હોવાથી ભારત માટે ખૂબ ઉપયોગી હતું. હવે જો ફરીથી વેનેઝુએલાનું તેલ મળવાનું શરૂ થાય, તો ભારતને એક જ દેશ પર આધાર રાખવો નહીં પડે. અલગ-અલગ દેશોથી તેલ ખરીદી શકાશે, જેના કારણે પુરવઠો વધુ સુરક્ષિત રહેશે અને ભાવમાં સંતુલન રાખવામાં પણ મદદ મળશે. સરળ શબ્દોમાં કહીએ તો, આ વ્યવસ્થા ભારત માટે તેલની દૃષ્ટિએ એક વધારાનો અને લાભદાયક વિકલ્પ બની શકે છે.
શરૂઆતમાં 30 થી 50 મિલિયન બેરલ વેનેઝુએલાનું તેલ
ન્યૂ યોર્કમાં યોજાયેલી ઊર્જા પરિષદ દરમિયાન રાઈટે જણાવ્યું હતું કે અમેરિકા શરૂઆતમાં 30 થી 50 મિલિયન બેરલ વેનેઝુએલાનું તેલ વેચવાની યોજના ધરાવે છે. ત્યારબાદ ભવિષ્યના ઉત્પાદનમાંથી પણ વેચાણ ચાલુ રાખવામાં આવશે. આ પગલું વૈશ્વિક તેલ બજારમાં અમેરિકાની ભૂમિકા વધુ મજબૂત કરી શકે છે.
રાજકીય સ્થિતિમાં આવેલા મોટા ફેરફાર
ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની રાજકીય સ્થિતિમાં આવેલા મોટા ફેરફારનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે દેશ નવી દિશામાં આગળ વધી રહ્યો છે. તેમણે જણાવ્યું કે વેનેઝુએલાના તેલ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 100 અબજ ડોલરનું રોકાણ થશે. વિશ્વની મોટી તેલ કંપનીઓને ત્યાં રોકાણ કરવાની મંજૂરી મળશે, પરંતુ કઈ કંપનીને મંજૂરી મળશે તે નિર્ણય અમેરિકી વહીવટીતંત્ર કરશે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે વોશિંગ્ટન વેનેઝુએલાના તેલ ક્ષેત્ર પર કડક નિયંત્રણ જાળવી રાખશે. ઉત્પાદન, મૂડી પ્રવાહ અને નિકાસ—બધું જ અમેરિકાની દેખરેખ હેઠળ રહેશે. હાલ પ્રતિબંધો અને લોજિસ્ટિકલ સમસ્યાઓને કારણે લાખો બેરલ તેલ સ્ટોરેજમાં અટવાયેલું છે, જેને હવે તબક્કાવાર રીતે વૈશ્વિક બજારમાં લાવવામાં આવશે.
આ પણ વાંચો : Trump એક ફોનની રાહ જોતાં રહ્યા, પરંતુ PM મોદીએ કેમ કોલ ન કર્યો?