અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના દાવા મુજબ, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદો લગભગ નક્કી હતો. તેમના કહેવા પ્રમાણે, ટ્રમ્પ માત્ર PM મોદીના ફોન આવવાની રાહ જોઈ રહ્યા હતા. લુટનિકનું માનવું છે કે જો આ ફોન થયો હોત તો 2025 સુધીમાં વેપાર કરાર અંતિમ થઈ ગયો હોત. પરંતુ ભારત તરફથી એવો કોઈ ખાસ ફોન થયો નહીં.
ભારત સરકારનો દાવો
ભારત સરકારે આ દાવાને ફગાવ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે 2025 દરમિયાન PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ઓછામાં ઓછા આઠ વખત વાતચીત થઈ હતી. એટલે એવો અર્થ કાઢવો કે બંને વચ્ચે સંપર્ક જ નહોતો, એ ખોટું છે. છતાં પ્રશ્ન રહે છે કે વેપાર સોદાને લઈને ટ્રમ્પ જે ‘ખાસ ફોન’ની વાત કરે છે, તે કેમ ન થયો?
ફોન પાછળનું મોટું કારણ
આ પાછળનું એક મોટું કારણ ટ્રમ્પની કાર્યશૈલી માનવામાં આવે છે. ભૂતકાળમાં અનેક વખત એવું બન્યું છે કે ટ્રમ્પે નેતાઓ સાથે થયેલી વાતચીતને એકતરફી રીતે જાહેર કરી દીધી. ક્યારેક તો પ્રતિનિધિમંડળો દ્વારા તૈયાર કરાયેલા સોદાઓને પણ તેમણે એક જ ફોન કોલમાં બદલી નાંખ્યા. જાપાન, વિયેતનામ અને યુરોપિયન યુનિયન જેવા ઉદાહરણો ભારતીય નીતિનિર્માતાઓ સામે હતા.
ભારત માટે વેપાર સોદાનું મહત્વ
ભારત માટે વેપાર સોદો માત્ર આર્થિક મુદ્દો નથી, પરંતુ રાજદ્વારી અને રાજકીય રીતે પણ સંવેદનશીલ છે. ફોન પર થયેલી વાતચીતને ટ્રમ્પ પોતાની રીતે રજૂ કરે અને પછી તેને આંતરરાષ્ટ્રીય મંચ પર દાવો બનાવે, એ જોખમ ભારત લેવા માગતું નહોતું. ખાસ કરીને ભારત–પાકિસ્તાન મુદ્દે ટ્રમ્પે અગાઉ મધ્યસ્થીના દાવા કર્યા છે, જેને ભારતે નકારી કાઢ્યા છે.
વેપાર સોદાઓ સામાન્ય રીતે લાંબી ચર્ચા
આ સિવાય, વેપાર સોદાઓ સામાન્ય રીતે લાંબી ચર્ચા, કાનૂની ચકાસણી અને પરસ્પર સંમતિથી થાય છે. તે કોઈ એક ફોન કોલથી પૂરાં થતાં નથી. ભારતે UK સાથે વેપાર કરાર કરવા માટે પણ લાંબો સમય લીધો હતો. તેથી મોદી સરકારે ‘રાહ જુઓ અને સમજો’ નો અભિગમ અપનાવ્યો હોવાની શક્યતા વધુ છે. PM મોદીએ ટ્રમ્પને ફોન ન કરવાનો નિર્ણય ઉતાવળ નહીં પરંતુ સાવધાનીનું પરિણામ લાગે છે. ભારત પોતાના હિતો, પ્રતિષ્ઠા અને લાંબા ગાળાના સંબંધોને ધ્યાનમાં રાખીને આગળ વધવા માગતું હતું.
આ પણ વાંચો : Iranમાં આર્થિક સંકટ સામે વિરોધ, ગોળીબારમાં મોતના દાવાઓ