ભારતીય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની દિશામાં એક મોટી સફળતા મળી છે. અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને દાણચોરી કરીને લઈ જવાયેલી 657 પ્રાચીન કલાકૃતિઓ સત્તાવાર રીતે ભારતને પરત કરી છે. આ ખજાનાની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત ₹1.33 બિલિયન ($14 મિલિયન) થી વધુ હોવાનું કહેવાય છે. ન્યૂ યોર્કમાં આયોજિત એક વિશેષ સમારોહમાં મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગ દ્વારા આ વસ્તુઓ ભારતીય કોન્સ્યુલેટને સોંપવામાં આવી હતી.
અવલોકિતેશ્વર અને નૃત્ય કરતા ગણેશ
પરત કરવામાં આવેલી વસ્તુઓમાં સૌથી કિંમતી 'અવલોકિતેશ્વર'ની કાંસ્ય પ્રતિમા છે, જેની કિંમત અંદાજે ₹16 કરોડ ($2 મિલિયન) છે. આ પ્રતિમા ડબલ-કમળના આસન પર બિરાજમાન છે અને સિંહોથી શણગારેલા સિંહાસન પર સ્થાપિત છે. રસપ્રદ વાત એ છે કે, આ મૂર્તિ પર શિલાલેખ છે જે તેના કારીગર તરીકે સિપુર (છત્તીસગઢ) ના 'દ્રોણાદિત્ય'નો ઉલ્લેખ કરે છે. 1982માં રાયપુરના મ્યુઝિયમમાંથી ચોરાયેલી આ મૂર્તિ લાંબા સમય બાદ ન્યૂ યોર્કના ખાનગી સંગ્રહમાંથી જપ્ત કરવામાં આવી હતી.
નૃત્ય કરતા ગણેશ ની રેતીના પથ્થરની મૂર્તિ
બીજી મહત્વની કલાકૃતિ નૃત્ય કરતા ગણેશ ની રેતીના પથ્થરની મૂર્તિ છે. આ મૂર્તિ વર્ષ 2000માં મધ્યપ્રદેશના એક મંદિરમાંથી ચોરાઈ હતી. આ ઉપરાંત, ઉત્તર ભારતની એક અત્યંત દુર્લભ બુદ્ધ પ્રતિમા પણ પરત મળી છે, જેમાં બુદ્ધ 'અભય મુદ્રા'માં જોવા મળે છે. આ પ્રતિમાની કિંમત આશરે $7.5 મિલિયન આંકવામાં આવી છે.
દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ
આ સફળતા પાછળ કુખ્યાત આર્ટ ડીલર સુભાષ કપૂર અને નેન્સી વેઇનર જેવા દાણચોરો વિરુદ્ધની લાંબી તપાસ જવાબદાર છે. સુભાષ કપૂર હાલમાં ભારતની જેલમાં સજા કાપી રહ્યો છે. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસ અને હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા વર્ષો સુધી ચાલેલી તપાસ બાદ આ કિંમતી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી.
ભારત અને અમેરિકાનો સહયોગ
ન્યૂ યોર્કમાં ભારતીય કોન્સ્યુલ જનરલ બિનય પ્રધાને અમેરિકી એજન્સીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમની સતર્કતાને કારણે ભારતનો અમૂલ્ય વારસો સુરક્ષિત રીતે પરત આવી શક્યો છે. એલ્વિન બ્રેગે પણ સ્વીકાર્યું હતું કે ભારતના વારસાને નિશાન બનાવતી ટોળકીઓનું નેટવર્ક ખૂબ મોટું છે અને હજુ પણ ઘણી ચોરાયેલી વસ્તુઓ પરત લાવવા માટે કામ કરવાનું બાકી છે.
36 દેશો 5,900થી વધુ વસ્તુઓ પરત કરી ચૂક્યું
આ ઘટના માત્ર ભૌતિક વસ્તુઓની વાપસી નથી, પરંતુ ભારતના હજારો વર્ષ જૂના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિના સન્માનની પુનઃસ્થાપના છે. એન્ટિક્વિટીઝ ટ્રાફિકિંગ યુનિટ અત્યાર સુધીમાં 36 દેશોને અંદાજે 5,900થી વધુ વસ્તુઓ પરત કરી ચૂક્યું છે, જે વૈશ્વિક સ્તરે સાંસ્કૃતિક ચોરી વિરુદ્ધની લડાઈમાં મોટી સિદ્ધિ છે.
આ પણ વાંચોઃ Pakistan:ઈરાન-અમેરિકા તણાવ વચ્ચે શાંતિ કરાવવા જતાં પાકિસ્તાનને આર્થિક નુકસાન