યુનાઇટેડ સ્ટેટ્સમાં છેલ્લા કેટલાંક દિવસોથી ભારે બરફવર્ષા થઈ રહી છે. આ તોફાન એટલું ભયાનક રહ્યું કે લગભગ 5,00,000 કરતાં વધુ ઘરો અને વ્યવસાયો વીજળી વગર રહ્યા છે. PowerOutage.com ના આંકડા મુજબ સાંજે 5:45 વાગ્યા સુધીમાં 5,19,232 ઘરો અને વ્યવસાયો વીજળી વિહોણા હતા. સૌથી વધુ અસર મેસેચ્યુસેટ્સ રાજ્યમાં જોવા મળી, જ્યાં 2,82,024 ઘરોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. ત્યારબાદ ન્યૂ જર્સીમાં 93,090 જેટલા ઘરો પ્રભાવિત થયા હતા.
હવાઈ સેવાઓ પર પણ ગંભીર અસર
હિમવર્ષાના કારણે હવાઈ સેવાઓ પર પણ ગંભીર અસર પડી છે. FlightAware મુજબ રવિવારથી મંગળવાર સુધી 11,055 જેટલી યુએસ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. મુસાફરોને એરપોર્ટ પર ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. એમટ્રેકે પણ ન્યૂ યોર્ક અને બોસ્ટન વચ્ચેની સેવા સોમવાર રાત સુધી સ્થગિત કરી દીધી હતી.
હિમવર્ષાના ઘણા જૂના રેકોર્ડ તોડી નાખ્યા
આ તોફાને હિમવર્ષાના ઘણા જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. રાષ્ટ્રીય હવામાન સેવા અનુસાર, મેનહટનના સેન્ટ્રલ પાર્ક વિસ્તારમાં લગભગ 20 ઇંચ (50 સેન્ટિમીટર) બરફ પડ્યો હતો. લોંગ આઇલેન્ડના ઇસ્લિપ વિસ્તારમાં 22 ઇંચથી વધુ બરફ નોંધાયો હતો. રોડ આઇલેન્ડ રાજ્યમાં 32.8 ઇંચ બરફ પડ્યો, જે 1978માં નોંધાયેલા 28.6 ઇંચના અગાઉના રેકોર્ડ કરતાં વધુ છે.
ઘરની બહાર ન નીકળવાની અપીલ
મેસેચ્યુસેટ્સના ગવર્નર મૌરા હીલીએ લોકોને જરૂરી ન હોય તો ઘરની બહાર ન નીકળવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે રસ્તાઓ પર ઘણી કારો ફસાઈ ગઈ છે અને ટો ટ્રકોને ત્યાં પહોંચવામાં મુશ્કેલી પડી રહી છે. રાજ્યના દક્ષિણ કિનારે બરફ દૂર કરવાની ટીમો સતત કામગીરી કરી રહી છે, છતાં સ્થિતિ નિયંત્રણમાં લાવવા સમય લાગી રહ્યો છે.
ન્યૂ યોર્ક શહેરમાં પરિસ્થિતિ ગંભીર
ન્યૂ યોર્ક શહેરમાં પરિસ્થિતિ ગંભીર બનતા મેયર ઝોહરાન મામદાનીએ ટ્રાફિક માટે રસ્તાઓ, હાઈવે અને પુલો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, સોમવાર બપોર બાદ હિમવર્ષા ધીમે ધીમે ઓછી થઈ અને પરિસ્થિતિમાં થોડો સુધારો જોવા મળ્યો. મંગળવારથી શહેરની શાળાઓ ફરી રૂબરૂ શિક્ષણ માટે ખોલવાની જાહેરાત કરવામાં આવી છે.
એક ફૂટથી વધુ બરફ પડ્યો
આઠ રાજ્યોમાં એક ફૂટથી વધુ બરફ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે. ભારે પવનના કારણે વીજ લાઈનોને નુકસાન પહોંચ્યું છે અને વર્જિનિયાથી મેસેચ્યુસેટ્સ સુધી સંચાર અને વીજ પુરવઠા પર અસર પડી છે. આ તોફાનને કારણે દૈનિક જીવન પર ગંભીર અસર પડી છે. 153 વર્ષમાં પહેલી વાર કેટલીક જગ્યાએ અખબારો પણ છાપી શકાયા નથી. નિષ્ણાતોના મતે આ બરફીલો તોફાન ઐતિહાસિક ગણાશે અને તેની અસર કેટલાક દિવસો સુધી રહી શકે છે. સરકારી તંત્ર અને બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે, અને લોકોને સલામતીના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : India Pakistan conflict : ટ્રમ્પનો મોટો દાવો, ‘ઓપરેશન સિંદૂર’ રોકીને પાકિસ્તાનના પીએમનો જીવ બચાવ્યો