મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હવે અત્યંત ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ એક સનસનાટીભર્યું નિવેદન જારી કરીને અમેરિકા સાથે જોડાયેલી વિશ્વની સૌથી મોટી ટેકનોલોજી અને નાણાકીય કંપનીઓને નિશાન બનાવવાની જાહેરાત કરી છે. આ ધમકી બાદ માત્ર રાજકીય જ નહીં, પણ વૈશ્વિક આર્થિક જગતમાં પણ ખળભળાટ મચી ગયો છે.
કર્મચારીઓને ઓફિસ છોડવા આદેશ
IRGC દ્વારા જારી કરવામાં આવેલા સત્તાવાર આદેશમાં જણાવાયું છે કે, અમેરિકા દ્વારા કરવામાં આવતી કોઈપણ લશ્કરી કાર્યવાહી અથવા હત્યાનો જવાબ આ કંપનીઓ પર હુમલો કરીને આપવામાં આવશે. આ નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 1 એપ્રિલ, 2026 ના રોજ તેહરાન સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી આ કંપનીઓ પર જોખમ વધી જશે. IRGC એ આ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને તાત્કાલિક ઓફિસ છોડવા અને આસપાસ રહેતા સ્થાનિક લોકોને 1 કિલોમીટરથી દૂર ખસી જવા ચેતવણી આપી છે.
નિશાના પર કોણ છે?
ઈરાને જે કંપનીઓની યાદી જાહેર કરી છે તેમાં અમેરિકાના આર્થિક કરોડરજ્જુ સમાન કંપનીઓનો સમાવેશ થાય છે. એપલ, માઈક્રોસોફ્ટ, ગૂગલ, મેટા (ફેસબુક), ટેસ્લા, એમેઝોન અને જેપી મોર્ગન ચેઝ જેવી નાણાકીય સંસ્થાઓ ઉપરાંત બોઇંગ, જનરલ ઇલેક્ટ્રિક અને એનવીડિયા જેવી રક્ષણ અને ટેક કંપનીઓને પણ આ યાદીમાં મૂકવામાં આવી છે. ઈરાનનું આ પગલું અમેરિકાના આર્થિક હિતો પર સીધો પ્રહાર કરવાની રણનીતિ દર્શાવે છે.
અમેરિકાનો કડક વળતો પ્રહાર
બીજી તરફ, અમેરિકાએ પણ નમતું જોખવાનો ઈન્કાર કર્યો છે. યુએસ સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાનને સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ પ્રકારની પીછે હઠ કરવાના મૂડમાં નથી. હેગસેથે ઈરાનના નવા શાસનને ચેતવણી આપી છે કે જો તેઓ સમાધાનની શરતો નહીં માને, તો અમેરિકી સંરક્ષણ મંત્રાલય તેના હુમલાઓની તીવ્રતા વધારી દેશે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, આ સંઘર્ષ હવે માત્ર ટ્રમ્પની શરતો પર જ પૂરો થશે.
આ પણ વાંચોઃ Iran Us War: યુદ્ધ વિરામ તરફ ટ્રમ્પના સંકેત! બે થી ત્રણ અઠવાડિયામાં અમેરિકા છોડી દેશે ઇરાન