પશ્ચિમ એશિયામાં ભૌગોલિક-રાજકીય તણાવ હવે નિર્ણાયક તબક્કે પહોંચી ગયો છે. ઈરાન વિરુદ્ધ અમેરિકાની સંભવિત લશ્કરી કાર્યવાહીની આશંકાઓને જોતા, ભારત સરકારે ઈરાનમાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે 'હાઈ-એલર્ટ' એડવાઈઝરી જારી કરી છે. સોમવારે તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે એક સત્તાવાર નિવેદન બહાર પાડીને તમામ ભારતીયોને કોઈપણ વિલંબ વગર ઈરાન છોડી દેવાની સલાહ આપી છે.
તાત્કાલિક સ્થળાંતરનો આદેશ
14 જાન્યુઆરી,2026ના રોજ જારી કરાયેલી અગાઉની ચેતવણીને ફરીથી દોહરાવતા સરકારે કહ્યું છે કે પરિસ્થિતિ ઝડપથી વણસી રહી છે, તેથી જોખમ લેવાને બદલે સુરક્ષિત સ્થળે ખસી જવું જ હિતાવહ છે.
દૂતાવાસની માર્ગદર્શિકા અને સાવચેતી
દૂતાવાસે ભારતીય નાગરિકોને કેટલીક મહત્વની સૂચનાઓ આપી છે. તમામ નાગરિકોએ પોતાના પાસપોર્ટ, વિઝા અને ઓળખપત્રો હંમેશા સાથે રાખવા જેથી સ્થળાંતર સમયે કોઈ ટેકનિકલ અવરોધ ન આવે. જે નાગરિકો હજુ સુધી ઈરાનમાં છે, તેમણે પોતાની વિગતો તાત્કાલિક દૂતાવાસમાં નોંધાવવી અનિવાર્ય છે. કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનો, ભીડભાડ વાળા વિસ્તારો અથવા સંવેદનશીલ સૈન્ય સ્થાપનોની આસપાસ જવાનું ટાળવું. સ્થાનિક સમાચાર અને મીડિયા પર સતત નજર રાખવી.
કટોકટી માટે હેલ્પલાઈન નંબરો
ભારતીય નાગરિકોની મદદ માટે દૂતાવાસે ચોવીસ કલાક કાર્યરત રહે તેવા ચાર ઇમરજન્સી હેલ્પલાઇન નંબરો અને ઇમેઇલ જાહેર કર્યા છે.
નંબરો: +989128109115, +989128109109, +989128109102, +989932179359
ઇમેઇલ: [email protected]
વ્યૂહાત્મક સ્થિતિ
વિશ્વભરની સુરક્ષા એજન્સીઓ અત્યારે ઈરાનની હિલચાલ પર નજીકથી નજર રાખી રહી છે. ભારત સરકાર માટે પોતાના હજારો નાગરિકોની સુરક્ષા સૌથી મોટી પ્રાથમિકતા છે. 2026માં પશ્ચિમ એશિયાની આ અસ્થિરતા વૈશ્વિક તેલના ભાવ અને સુરક્ષા પર પણ અસર કરી શકે છે. ભારતનું વિદેશ મંત્રાલય (MEA) સતત પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે અને જો જરૂર પડશે તો વિશેષ વિમાનો દ્વારા એરલિફ્ટની પ્રક્રિયા પણ હાથ ધરી શકે છે.
