પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો જંગ હવે ખતરનાક રીતે વિસ્તરી રહ્યો છે. આ સંઘર્ષના 21મા દિવસે, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF) એ સીરિયામાં આવેલા ઈરાની સૈન્ય થાણાઓ પર આખી રાત ભીષણ બોમ્બમારો કર્યો છે. આ હવાઈ હુમલામાં ઈરાનની પ્રભાવશાળી સૈન્ય પાંખ, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના પ્રવક્તા અલી મોહમ્મદ નૈની નું મોત થયું છે. ઈરાને સત્તાવાર રીતે આ સમાચારની પુષ્ટિ કરી છે, જે તેહરાન માટે એક મોટો વ્યૂહાત્મક ફટકો માનવામાં આવે છે.
સીરિયામાં કમાન્ડ સેન્ટરો પર પ્રહાર
શુક્રવારે સવારે ઇઝરાયલી સૈન્યએ જણાવ્યું હતું કે તેમના ફાઈટર જેટ્સે સીરિયામાં ઈરાન સમર્થિત સંગઠનોના કમાન્ડ સેન્ટરો અને શસ્ત્રોના ડેપોને નિશાન બનાવ્યા હતા. IDF એ સોશિયલ મીડિયા પર સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહી દક્ષિણ સીરિયામાં થઈ રહેલી પ્રવૃત્તિઓનો જવાબ છે. ઇઝરાયલનું કહેવું છે કે તેઓ પોતાના પ્રદેશ અને લઘુમતી સમુદાયોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે.
ડ્રુઝ લઘુમતીનું રક્ષણ અને માનવીય સંકટ
ઇઝરાયલના આ હુમલા પાછળનું એક મુખ્ય કારણ સીરિયાના અસ-સ્વેદા ક્ષેત્રમાં વસતા ડ્રુઝ (Druze) લોકો પર થયેલા અત્યાચારો છે. ગુરુવારે આ લઘુમતી સમુદાય પર થયેલા હુમલા બાદ ઇઝરાયલે કડક વલણ અપનાવ્યું છે. ડ્રુઝ લોકોની કુલ વસ્તી માત્ર 10 લાખ છે, જે મુખ્યત્વે સીરિયા, લેબનોન અને ઇઝરાયલમાં વસે છે. સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ મુજબ, સીરિયામાં આ લઘુમતીઓ અપહરણ અને હિંસાનો સામનો કરી રહ્યા છે. ઇઝરાયલે જાહેર કર્યું છે કે તે ડ્રુઝ સમુદાય પરના હુમલા સહન કરશે નહીં.
વધતો જતો તણાવ
આ હુમલો એવા સમયે થયો છે જ્યારે અમેરિકા અને ઇઝરાયલ સંયુક્ત રીતે ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છે. બીજી તરફ, ઈરાન પણ ખાડી દેશોમાં આવેલા અમેરિકન લશ્કરી મથકો પર મિસાઈલ અને ડ્રોન દ્વારા વળતા હુમલા કરી રહ્યું છે. સીરિયામાં ઇઝરાયલની આ કાર્યવાહીથી સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધ ફેલાવાની દહેશત વધી ગઈ છે.
આ પણ વાંચોઃ South Korea: ઓટો પાર્ટ્સ ફેક્ટરીમાં ભીષણ આગ, 53 ઘાયલ અને 14 લોકો ગુમ