બાંગ્લાદેશમાં ફરી એકવાર હિન્દુ સમુદાયને નિશાન બનાવતી હિંસાની ઘટના સામે આવી છે. નરસિંગડી જિલ્લામાં કરિયાણાની દુકાનના માલિક મોની ચક્રવર્તી પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટના સોમવારે રાત્રે અંદાજે 10 વાગ્યાની આસપાસ બની હતી. ગંભીર રીતે ઘાયલ મોની ચક્રવર્તીને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ તેઓ બચી શક્યા નહોતા.
24 કલાકમાં બીજી ઘટના
આ ઘટના છેલ્લા 24 કલાકમાં હિન્દુ વ્યક્તિની હત્યાની બીજી ઘટના હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સતત થતી આવી ઘટનાઓથી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોની ચક્રવર્તીની હત્યા માત્ર એક વ્યક્તિ પર થયેલો હુમલો નથી, પરંતુ તે હિન્દુ સમુદાય સામે ચાલી રહેલી હિંસક ઘટનાઓની લાંબી શ્રેણીનો એક વધુ દુઃખદ કિસ્સો છે.
પહેલા 3 જાન્યુઆરીએ થઇ હતી હત્યા
આ પહેલા 3 જાન્યુઆરીના રોજ 50 વર્ષીય ખોકન ચંદ્ર દાસ પર ક્રૂર રીતે હુમલો કરવામાં આવ્યો હતો. તેમની હત્યા કર્યા બાદ તેમના શરીરને આગ લગાવી દેવામાં આવી હતી, જે ઘટનાએ માનવતાને શરમમાં મૂકતી સ્થિતિ ઊભી કરી હતી. તે પહેલાં 24 ડિસેમ્બરે રાજબારી જિલ્લાના પંગશા સબડિસ્ટ્રિક્ટમાં અમૃત મંડલ નામના હિન્દુ વ્યક્તિની ખંડણીના આરોપસર માર મારીને હત્યા કરવામાં આવી હતી.
સિલસિલો હજી ચાલું..
આ હિંસાનો સિલસિલો અહીં અટક્યો નહોતો. 18 ડિસેમ્બરના રોજ મૈમનસિંહ શહેરમાં 25 વર્ષીય દીપુ ચંદ્ર દાસને ટોળાએ ઈશનિંદાના આરોપસર માર મારીને મારી નાખ્યો હતો. એટલું જ નહીં, તેમની હત્યા બાદ તેમના શરીરને આગ લગાવી દેવામાં આવી હતી, જે ઘટના સમગ્ર સમાજ માટે ભયજનક સંકેત બની હતી.
સ્થળાંતરિત કામદારોના ઘરમાં હુમલો
હિંસાની ઘટનાઓ માત્ર વ્યક્તિઓ સુધી સીમિત નથી. 23 ડિસેમ્બરના રોજ ચિત્તાગોંગની બહાર આવેલા રૌજાન વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ કતારમાં કામ કરતા સ્થળાંતરિત કામદારો શુખ શીલ અને અનિલ શીલના ઘરને આગ ચાંપી દીધી હતી. સદભાગ્યે, ઘરનાં રહેવાસીઓ સમયસર ભાગી જવાથી તેમની જાન બચી ગઈ હતી.
આ પણ વાંચો : વેનેઝુએલા તો માત્ર શરૂઆત છે ! 2026માં શું વિશ્વ ફરી યુદ્ધના કિનારે ઊભું છે?