અમેરિકાના મિસિસિપી રાજ્યમાં ફરી એકવાર બંદૂકની હિંસાએ માસૂમ લોકોના લોહી વહેવડાવ્યા છે. પૂર્વ મિસિસિપીના વેસ્ટ પોઈન્ટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં શુક્રવારે થયેલા ભયાનક ગોળીબારમાં એક બાળક સહિત કુલ છ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને શોકનું મોજું ફરી વળ્યું છે.
અલગ-અલગ સ્થળોએ અંધાધૂંધ ફાયરિંગ
મળતી માહિતી અનુસાર અનુસાર, હુમલાખોરે ત્રણ અલગ-અલગ સ્થળોએ અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ક્લે કાઉન્ટીના શેરીફ એડી સ્કોટે પુષ્ટિ કરી છે કે આ હિંસાના સંબંધમાં એક શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. જોકે, હજુ સુધી આ હુમલા પાછળનો હેતુ સ્પષ્ટ થયો નથી. તપાસ એજન્સીઓ હાલમાં ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરી રહી છે અને પીડિતોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલુ છે.













