ઈરાનમાં તાજેતરમાં થયેલા મોંઘવારી વિરોધી પ્રદર્શનો દેશના ઇતિહાસના સૌથી હિંસક પ્રકરણોમાંથી એક તરીકે જોવામાં આવી રહ્યા છે. US સ્થિત માનવાધિકાર સંગઠન HRANA (Human Rights Activists News Agency) અનુસાર, આ વિરોધ પ્રદર્શનો દરમિયાન કુલ 3,090 લોકોના મોત થયા છે. આ આંકડો ઈરાનમાં 1979ની ઇસ્લામિક ક્રાંતિ દરમિયાન થયેલા મોત કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે.

 ગયેલાઓમાં 2,885 સામાન્ય વિરોધીઓ

HRANAના અહેવાલ મુજબ, માર્યા ગયેલાઓમાં 2,885 સામાન્ય વિરોધીઓ હતા, જ્યારે 205 સુરક્ષા દળો અને અન્ય સરકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, 10,000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જોકે સત્તાવાર રીતે ચોક્કસ આંકડો જાહેર થયો નથી. આ પ્રદર્શનો દરમિયાન ઈરાનમાં ઘણા દિવસો સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ રાખવામાં આવી હતી. આશરે આઠ દિવસ પછી પ્રાદેશિક સ્તરે ઇન્ટરનેટ પુનઃસ્થાપિત થતા જ નુકસાન અને મૃત્યુ અંગેની માહિતી બહાર આવી છે. ઇન્ટરનેટ બંધ હોવાના કારણે અંદર શું ચાલી રહ્યું હતું તેની જાણકારી લાંબા સમય સુધી બહાર આવી શકી નહોતી.

ખામેનીનો આરોપ: ટ્રમ્પ જવાબદાર

ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ આ સમગ્ર હિંસક ઘટનાઓ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જવાબદાર ઠેરવ્યા છે. ખામેનીના જણાવ્યા અનુસાર, અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો અને દબાણને કારણે ઈરાનમાં આર્થિક સ્થિતિ બગડી, જેનાથી લોકો રસ્તા પર ઉતર્યા. તેમણે કહ્યું કે થયેલા મોત, નુકસાન અને અપમાન માટે અમેરિકી નીતિઓ જવાબદાર છે.

ઈરાન સરકારનું સ્પષ્ટીકરણ

ઈરાન સરકારનો દાવો છે કે આ પ્રદર્શનોમાં સામાન્ય નાગરિકો ઉપરાંત સશસ્ત્ર તોફાનીઓ પણ સામેલ હતા. સરકાર અનુસાર, આ તોફાનીઓ વિદેશી એજન્ટ હતા, જેમને ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી સમર્થન મળતું હતું. સરકારનું કહેવું છે કે ગોળીબાર, આગ લગાવવી અને હત્યાઓ માટે આ તત્વો જવાબદાર હતા, જેના કારણે નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓના મોત થયા. બે અઠવાડિયા સુધી ચાલેલા હિંસક વિરોધ પછી, રાજધાની તેહરાનમાં છેલ્લા કેટલાક દિવસોથી શાંતિ જોવા મળી રહી છે. કોઈ મોટા પ્રદર્શન નોંધાયા નથી અને જીવન ધીમે ધીમે સામાન્ય થતું દેખાઈ રહ્યું છે. તેમ છતાં, શહેરમાં ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવાયું છે.

ટ્રમ્પનો દાવો: સામૂહિક ફાંસીનો નિર્ણય રદ

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સરકારે ધરપકડ કરાયેલા 800થી વધુ વિરોધીઓને સામૂહિક ફાંસી આપવાની યોજના બનાવી હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણ બાદ આ નિર્ણય રદ કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા આ અંગે નિવેદન આપ્યું હતું. જોકે, ઈરાન સરકારે આવા કોઈ નિર્ણય અથવા તેને રદ કરવાની વાતને નકારી કાઢી છે.

ભારતીય નાગરિકોની વાપસી

આ પરિસ્થિતિ વચ્ચે ઈરાનમાં રહેલા ઘણા ભારતીય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, સલામત રીતે ભારત પરત ફર્યા છે. કોમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા તેઓ દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા. કેટલાક વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ જ્યાં હતા ત્યાં પરિસ્થિતિ શાંત હતી, પરંતુ ઇન્ટરનેટ બંધ હોવાથી દેશભરમાં શું ચાલી રહ્યું છે તેની તેમને જાણ નહોતી. એક મેડિકલ વિદ્યાર્થીનીએ કહ્યું કે, “ઇન્ટરનેટ કામ કરતું ન હતું, તેથી અમને પરિસ્થિતિની સાચી ખબર ન પડી.” અન્ય મુસાફરોએ પણ જણાવ્યું કે તેમને સીધી કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી.

આ પણ વાંચો : America-યુરોપ મતભેદો પર EUની ચેતવણી, ચીન અને રશિયાને ફાયદો