યુરોપિયન યુનિયનની વિદેશ નીતિના વડા અને યુરોપિયન કમિશનના ઉપપ્રમુખ કાજા કલ્લાસે અમેરિકા અને યુરોપ વચ્ચે વધી રહેલા મતભેદો પર ખુલ્લી ચેતવણી આપી છે. તેમના કહેવા મુજબ, પશ્ચિમી સાથી દેશો વચ્ચેનો તણાવ ચીન અને રશિયા માટે લાભદાયક સાબિત થઈ રહ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં ચીન અને રશિયા “મજા” કરી રહ્યા હશે, કારણ કે પશ્ચિમ દેશોની એકતા નબળી પડી રહી છે.


શક્તિઓ મજબૂત

કાજા કલ્લાસે સ્પષ્ટ કર્યું કે સાથી દેશો વચ્ચેના વિભાજનથી વૈશ્વિક વ્યવસ્થાને પડકાર આપતી શક્તિઓ વધુ મજબૂત બની રહી છે. તેમણે કહ્યું કે જો અમેરિકા અને યુરોપ એકબીજા સામે ઊભા રહેશે, તો તેનો સીધો લાભ રશિયા અને ચીનને મળશે, જે પહેલેથી જ પોતાની વ્યૂહાત્મક સ્થિતિ મજબૂત કરવાની તક શોધી રહ્યા છે.

નાટોના માળખાની ચર્ચા

ગ્રીનલેન્ડની સુરક્ષા બાબતે ચાલી રહેલા વિવાદ પર પણ તેમણે મહત્વપૂર્ણ વાત કરી. કાજા કલ્લાસના મતે, જો ગ્રીનલેન્ડની સુરક્ષા પર કોઈ ખતરો ઊભો થાય, તો તેનો ઉકેલ નાટોની અંદર જ શોધવો જોઈએ. અલગ-અલગ મંચો પર વિવાદ વધારવા કરતાં, સાથી દેશોએ નાટોના માળખામાં રહીને ચર્ચા કરવી વધુ યોગ્ય છે.

ટેરિફ મુદ્દે ચેતવણી

ટેરિફ મુદ્દે તેમણે અમેરિકાને ચેતવણી આપી. તેમણે કહ્યું કે ટેરિફ લાદવાથી યુરોપ અને અમેરિકા બંને આર્થિક રીતે નબળા પડશે. વહેંચાયેલ સમૃદ્ધિ પર આંચ આવશે અને ટ્રાન્સ-એટલાન્ટિક સંબંધોમાં વધુ તિરાડ પડશે. વેપાર યુદ્ધો ફક્ત સાથી દેશોની શક્તિ ઘટાડે છે, જેનો લાભ વિરોધી શક્તિઓ ઉઠાવે છે.

કાજા કલ્લાસે ખાસ ભાર મૂક્યો

યુક્રેન યુદ્ધ અંગે કાજા કલ્લાસે ખાસ ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે અમેરિકા અને યુરોપ વચ્ચેના મતભેદો રશિયા સામે ચાલી રહેલા વ્યૂહાત્મક યુદ્ધથી ધ્યાન ભટકાવા ન જોઈએ. મુખ્ય લક્ષ્ય રશિયાને યુક્રેનમાં તેનું યુદ્ધ સમાપ્ત કરવા દબાણ કરવાનો છે, અને આંતરિક વિવાદો આ લક્ષ્યમાં અવરોધ બનવા જોઈએ નહીં.


ગ્રીનલેન્ડ મુદ્દાને લઈને યુરોપિયન દેશો પર 10% ટેરિફ

હકીકતમાં, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દાને લઈને યુરોપિયન દેશો પર 10% ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી અને તેને 25% સુધી વધારવાની ધમકી પણ આપી હતી. આ કારણે અમેરિકા-યુરોપ સંબંધોમાં તણાવ વધ્યો છે. EU નેતાઓએ આંતરરાષ્ટ્રીય કાયદા, સંયુક્ત પ્રતિભાવ અને ડેનમાર્ક તથા ગ્રીનલેન્ડ સાથે એકતાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો : Music History : અડધા મીટરનો તાર ₹4 લાખમાં કેમ વેચાઈ રહ્યો છે? જાણો પાછળનું રહસ્ય?


  • Follow us on: