નવા વર્ષની ઉજવણી શરૂ થાય તે પહેલાં જ આર્જેન્ટિનાની રાજધાની બ્યૂનસ આયર્સમાં અચાનક વીજળી ગુલ થતાં ભારે અફરાતફરી મચી ગઈ. મળતી માહિતી મુજબ, રાજધાની નજીક આવેલા એક પાવર પ્લાન્ટમાં થયેલી દુર્ઘટનાના કારણે વીજ પુરવઠામાં ખોરવાટ આવ્યો હતો, જેના પરિણામે 30 હજારથી વધુ લોકો અંધારામાં ડૂબી ગયા.


અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું

નવા વર્ષની પૂર્વ સંધ્યાએ લોકો ઉજવણીની તૈયારીમાં હતા ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં વીજળી અચાનક બંધ થઈ ગઈ. અધિકારીઓનું કહેવું છે કે રજાઓના કારણે વીજળીની માંગમાં અચાનક વધારો થયો હતો, જેના કારણે સિસ્ટમ પર વધારાનો ભાર પડ્યો અને પરિસ્થિતિ વધુ ગંભીર બની.આ ઘટના બાદ શહેરના અનેક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. ટ્રાફિક સિગ્નલો બંધ થઈ ગયા અને અનેક રહેણાંક વિસ્તારોમાં લોકો ગરમી અને અંધકાર વચ્ચે ફસાયા. અધિકારીઓ દ્વારા વીજ પુરવઠો ફરી શરૂ કરવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા.

2019 પછીનો ત્રીજો મોટો બ્લેકઆઉટ

ઉલ્લેખનીય છે કે 2019 બાદ આર્જેન્ટિનામાં આ ત્રીજો મોટો વીજળી ગુલ થવાનો બનાવ છે. 2019માં જૂન મહિનામાં થયેલા ભીષણ બ્લેકઆઉટમાં સમગ્ર દેશ સહિત પડોશી દેશ ઉરુગ્વે અને પરાગ્વે પણ અસરગ્રસ્ત થયા હતા. તે સમયે અચાનક વીજ પુરવઠો બંધ થતાં જાહેર પરિવહન વ્યવસ્થા ઠપ થઈ ગઈ હતી અને હોસ્પિટલોને જનરેટરોના સહારે કામ ચલાવવું પડ્યું હતું. ત્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે દેશની ઇન્ટરકનેક્શન પાવર સિસ્ટમમાં આવેલી ખામી આ સંકટનું મુખ્ય કારણ હતી.

કેટલો મોટો હતો 2019નો અસરકારક બ્લેકઆઉટ?

2019ના બ્લેકઆઉટની અસર લગભગ 4.4 કરોડ લોકો પર પડી હતી. સમગ્ર દેશમાંથી માત્ર એક જ પ્રાંત એવો હતો જે મુખ્ય પાવર ગ્રિડ સાથે જોડાયેલો ન હોવાથી બચી ગયો હતો. સંયુક્ત વીજ ગ્રિડના કારણે ઉરુગ્વેની લગભગ 34 લાખ વસ્તી પણ આ સંકટથી પ્રભાવિત થઈ હતી. આવી જ મોટી ઘટના 2009માં બ્રાઝિલમાં પણ બની હતી, જેમાં લગભગ 6 કરોડ લોકો વીજળી વિહોણા બન્યા હતા.

આ પણ વાંચોઃ યમન ભારત માટે કેમ મહત્વનું છે? ઐતિહાસિક મિત્રતા અને માનવીય જવાબદારી, ભારત–યમનના સંબંધોની કહાની


  • Follow us on: