યમન ભલે આજે લાંબા સમયથી ગૃહયુદ્ધ અને રાજકીય અસ્થિરતામાં ફસાયેલો હોય, પરંતુ ભારત માટે તેનું મહત્વ આજે પણ અડગ છે. ઐતિહાસિક સંબંધો, વ્યૂહાત્મક સ્થાન અને માનવીય જવાબદારીને કારણે ભારત યમન સાથે સતત જોડાયેલું રહ્યું છે. યમનમાં હાલ સીધી ભારતીય હાજરી ન હોવા છતાં, સાઉદી અરેબિયામાં આવેલી ભારતીય મિશન મારફતે તમામ રાજદ્વારી અને સહાય સંબંધિત કામગીરી સંચાલિત થાય છે.
તાજેતરમાં સાઉદી અરેબિયા દ્વારા યમનના મુકલ્લા બંદર પર કરાયેલી કાર્યવાહી બાદ યમન ફરી વૈશ્વિક ચર્ચામાં આવ્યું છે. છેલ્લા દાયકાથી વધુ સમયથી યમન વિવિધ આંતરિક જૂથો અને બાહ્ય શક્તિઓ વચ્ચેના સંઘર્ષનું કેન્દ્ર બની ગયું છે. સાઉદી અરેબિયા, યુએઈ અને ઈરાનના પરસ્પર હિતોએ આ સંઘર્ષને વધુ જટિલ બનાવ્યો છે.
ભારત–યમન: ઐતિહાસિક મિત્રતા
ભારત યમનની આઝાદીનો ખુલ્લેઆમ સમર્થક રહ્યું છે. બ્રિટિશ શાસનથી મુક્તિ મેળવ્યા બાદ 1962માં યમન અરબ રિપબ્લિક અને 1967માં પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ યમનને માન્યતા આપનાર પ્રારંભિક દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. 1990માં બંને યમન ભેગા થઈને રિપબ્લિક ઓફ યમન બન્યું, પરંતુ 2014માં હૂતી બળવાખોરોએ રાજધાની પર કબજો કર્યા બાદ દેશ ગૃહયુદ્ધમાં ફસાયો. આ સંઘર્ષને કારણે યમનમાં ભારતીય દૂતાવાસ હાલ કાર્યરત નથી, છતાં રિયાધ સ્થિત ભારતીય મિશન યમન સંબંધિત તમામ જવાબદારીઓ સંભાળે છે.
તટસ્થ વલણ અને માનવીય સહાય
ભારત યમન સંઘર્ષમાં કોઈ પક્ષ તરફેણ કર્યા વિના તટસ્થ નીતિ અપનાવે છે. ભારત સાઉદી સમર્થિત પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલ (PLC)ને યમનની વૈધ સરકાર તરીકે માન્યતા આપે છે અને યમનના નેતૃત્વ હેઠળની સમાવીશક શાંતિ પ્રક્રિયાની વકાળ કરે છે. માનવીય સહાય ભારતની નીતિનો મહત્વનો આધારસ્તંભ છે. ભારત સતત યમનના સંઘર્ષથી અસરગ્રસ્ત લોકોને ખોરાક, દવાઓ અને રાહત સામગ્રી પહોંચાડતું રહ્યું છે, જેનાથી બંને દેશો વચ્ચેનો વિશ્વાસ જળવાઈ રહ્યો છે.
બાબ-અલ-મંદેબ અને ભારતની ઊર્જા સુરક્ષા
યમન બાબ-અલ-મંદેબ જળસંધિ પર સ્થિત છે, જે લાલ સમુદ્રને અદનના ખાડી સાથે જોડે છે. આ જળમાર્ગ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વનો છે, જ્યાંથી વિશ્વના લગભગ 10થી 15 ટકા વેપાર અને મોટો તેલ પુરવઠો પસાર થાય છે. ભારતની તેલ આયાત અને યુરોપ–એશિયા વેપાર માર્ગો માટે આ વિસ્તાર જીવનરેખા સમાન છે. છેલ્લા કેટલાક વર્ષોમાં હૂતી બળવાખોરોના જહાજો પરના હુમલાઓને કારણે સુરક્ષા જોખમ વધ્યું છે, જેના પરિણામે સુએઝ નહેર મારફતે જહાજોની અવરજવર નોંધપાત્ર રીતે ઘટી છે.
વેપારિક સંબંધો યથાવત
રાજકીય અસ્થિરતા છતાં ભારત અને યમન વચ્ચે વેપાર ચાલુ રહ્યો છે. વર્ષ 2024–25 દરમિયાન બંને દેશો વચ્ચેનો કુલ વેપાર અંદાજે 1 અબજ અમેરિકી ડોલર સુધી પહોંચ્યો હતો. ભારત તરફથી મુખ્યત્વે ચોખા, ઘઉં, દવાઓ અને ટેક્સટાઇલની નિકાસ થાય છે, જ્યારે યમન તરફથી પેટ્રોલિયમ ઉત્પાદનો અને કેટલાક ધાતુઓની આયાત થાય છે.\
આ પણ વાંચોઃ Germany: ફિલ્મી ઢબે બેંકમાં લૂંટ, અંડરગ્રાઉન્ડ વોલ્ટમાંથી કરોડોની ચોરી, પોલીસ એલર્ટ મોડ પર