બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા લંપટ આસારામને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. આસારામે સ્વાસ્થ્યના કારણો આગળ ધરીને સુપ્રીમ કોર્ટમાં વચગાળાની જામીન (Interim Bail) મેળવવા માટે અરજી કરી હતી, જેની સુનાવણી દરમિયાન કોર્ટે રાજસ્થાન સરકારને કડક નિર્દેશ આપ્યા છે.
ન્યાયમૂર્તિ એમ.એમ. સુંદરેશ અને ન્યાયમૂર્તિ પી.બી. વરાલેની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા રાજસ્થાન સરકારને આસારામના વર્તમાન સ્વાસ્થ્યની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે જો તેમની તબિયત ખરેખર ગંભીર હોય, તો રાજ્ય સરકારે તેના પર યોગ્ય પગલાં લેવા જોઈએ. આ સાથે જ કોર્ટે રાજ્ય સરકારને 21 જુલાઈ સુધીમાં આ અંગે વિસ્તૃત રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
રાજ્ય સરકારે જામીનનો કર્યો વિરોધ
સુનાવણી દરમિયાન રાજસ્થાન સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આસારામની તબિયત બાબતે કરવામાં આવેલા દાવાઓ ખોટા છે. સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે, માત્ર ત્રણ મહિના પહેલા જ આસારામ અયોધ્યા અને કાશીની મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓ સામાન્ય રીતે ચાલી રહ્યા હતા અને પગપાળા પ્રવાસ પણ કર્યો હતો. તેમની હાલત સ્થિર છે, તેથી તેમને જામીનની કોઈ જરૂર નથી.
શું છે સમગ્ર મામલો?
આસારામ વર્ષ 2013ના જોધપુર બળાત્કાર કેસમાં દોષિત ઠર્યા બાદ જેલમાં સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં તેમણે સજા વિરુદ્ધ કરેલી અપીલ હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. આ વચ્ચે, સ્વાસ્થ્યના કારણોસર તેમણે વચગાળાના જામીન મેળવવા માટે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. હવે 21 જુલાઈના રોજ જ્યારે રાજ્ય સરકાર પોતાનો રિપોર્ટ રજૂ કરશે, ત્યારે જ આસારામને જામીન મળશે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે. અત્યારે તો તેમની જામીનની આશા પર પાણી ફરી વળ્યું છે.
આ પણ વાંચો: SBI Funds Management IPO: એલોટમેન્ટ સ્ટેટસ 17 જુલાઈના જાહેર, જાણો તમારા ખાતામાં શેર આવ્યા કે નહીં અને કેટલું ચાલે છે લેટેસ્ટ GMP