પાકિસ્તાન હાલમાં તેના ઇતિહાસના સૌથી ખરાબ 'ટેલેન્ટ એક્સોડસ' એટલે કે 'બ્રેઈન ડ્રેઈન' માંથી પસાર થઈ રહ્યું છે. કંગાળ અર્થતંત્ર, રાજકીય અસ્થિરતા અને રોજગારીના અભાવે પાકિસ્તાનના ભણેલા-ગણેલા યુવાનો હવે ઘરઆંગણે રહેવા તૈયાર નથી. તાજેતરના સરકારી આંકડાઓએ શહબાઝ સરકાર અને ખાસ કરીને આર્મી ચીફ જનરલ આસિમ મુનીરની પોલ ખોલી નાખી છે.
નર્સિંગ સેક્ટરમાં પલાયનનું પ્રમાણ 2144 ટકા જેટલું વધ્યું
24 મહિનામાં 29,000 પ્રોફેશનલ્સ એક્સોડસ સરકારી રિપોર્ટ અનુસાર, છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાને આશરે 5,000 ડૉક્ટર્સ, 11,000 એન્જિનિયર્સ અને 13,000 એકાઉન્ટન્ટ્સ ગુમાવ્યા છે. વર્ષ 2024માં 7.27 લાખ અને 2025માં નવેમ્બર સુધીમાં 6.87 લાખ લોકોએ વિદેશમાં નોકરી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, નર્સિંગ સેક્ટરમાં પલાયનનું પ્રમાણ 2144 ટકા જેટલું વધી ગયું છે.
આસિમ મુનીરની કેમ ઉડી રહી છે મજાક?
થોડા સમય પહેલા આર્મી ચીફ આસિમ મુનીરે આ પલાયનને 'બ્રેઈન ડ્રેઈન' (બુદ્ધિશક્તિનો નિકાસ) ને બદલે 'બ્રેઈન ગેઈન' ગણાવ્યું હતું. હવે જ્યારે સરકારી આંકડાઓ સામે આવ્યા છે, ત્યારે સોશિયલ મીડિયા પર પાકિસ્તાની નાગરિકો જ તેમની આકરી ઝાટકણી કાઢી રહ્યા છે. પાકિસ્તાનના લોકો લખી રહ્યા છે કે, જેહની મરીઝ માટે જ આ 'બ્રેઈન ગેઈન' હોઈ શકે.
રોજગારી ખતરામાં, એરપોર્ટ પર કડકાઈ
પૂર્વ સીનેટર મુસ્તફા નવાઝ ખોખરે જણાવ્યું કે, ઇન્ટરનેટ શટડાઉનને કારણે પાકિસ્તાનના ફ્રીલાન્સિંગ હબને 1.62 અબજ ડોલરનું નુકસાન થયું છે અને લાખો નોકરીઓ જોખમમાં છે. બીજી તરફ, પલાયન રોકવા માટે સરકારે એરપોર્ટ પર કડકાઈ વધારી છે. 2025માં અત્યાર સુધીમાં 66,154 મુસાફરોને ઓફલોડ કરવામાં આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે, જ્યાં સુધી પાકિસ્તાનમાં બોલવાની આઝાદી અને સુરક્ષિત વાતાવરણ નહીં મળે, ત્યાં સુધી દેશની પ્રતિભાઓને એરપોર્ટ પર રોકીને પલાયન અટકાવી શકાશે નહીં.
આ પણ વાંચો - World : “સરહદ ખોલો, અમને બચાવો…”: બાંગ્લાદેશમાં ફસાયેલા હિન્દુઓની ભારતને કરુણ અપીલ