2024માં શોધાયેલ એસ્ટેરોયડ YR4 હાલ વૈજ્ઞાનિક જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ એસ્ટેરોયડની શોધ ચિલીમાં આવેલા શક્તિશાળી ટેલિસ્કોપ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં એવી ચિંતા વ્યક્ત થઈ હતી કે કદાચ તે પૃથ્વી સાથે ટકરાઈ શકે, પરંતુ વિગતવાર ગણતરી બાદ વૈજ્ઞાનિકોએ સ્પષ્ટ કરી દીધું છે કે પૃથ્વી માટે કોઈ જોખમ નથી.


હાલમાં સૌથી મહત્વની વાત એ છે કે YR4 એસ્ટેરોયડના ચંદ્ર સાથે ટકરાવાની આશરે 4 ટકા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આવું બને, તો ચંદ્રની સપાટી પર મોટો ખાડો સર્જાઈ શકે છે અને ત્યાંથી ઉડેલી ધૂળ તથા પથ્થર અંતરિક્ષમાં ફેલાઈ શકે છે.

કેટલું મોટું છે એસ્ટેરોયડ YR4?

આ એસ્ટેરોયડનું કદ અંદાજે 60 મીટર જેટલું છે, જે 10થી 15 માળની ઇમારત જેટલું મોટું માનવામાં આવે છે. જો તે ચંદ્ર સાથે ટકરાશે, તો મોટી માત્રામાં ઊર્જા બહાર આવશે અને ચંદ્ર પર સ્પષ્ટ રીતે જોવા મળે તેવો ખાડો ઊભો થશે.

સેટેલાઇટ્સ માટે મર્યાદિત જોખમ

ચંદ્ર પરથી ઉડતી ધૂળ જો પૃથ્વીની દિશામાં જાય, તો સેટેલાઇટ્સ, સ્પેસ સ્ટેશન અથવા ભવિષ્યના અંતરિક્ષ મિશન માટે થોડી મુશ્કેલી ઊભી થઈ શકે છે. જોકે, વૈજ્ઞાનિકો મુજબ આ જોખમ ખૂબ મોટું નહીં હોય અને પૃથ્વી પર રહેતા લોકોને કોઈ સીધી અસર નહીં થાય.

2028માં મળશે સ્પષ્ટ જવાબ

YR4 એસ્ટેરોયડ 2028માં ફરી એકવાર પૃથ્વી નજીકથી પસાર થશે. તે સમયે તેની ગતિ, દિશા અને કક્ષાની વધુ ચોક્કસ ગણતરી શક્ય બનશે. ત્યારબાદ સ્પષ્ટ થશે કે તે ચંદ્ર સાથે ટકરાશે કે નહીં. શક્યતા વધીને 30 ટકા સુધી જઈ શકે છે, અથવા સંપૂર્ણપણે શૂન્ય પણ થઈ શકે છે.

ટકરાવ થશે તો શું થશે?

જો એસ્ટેરોયડ ચંદ્ર સાથે ટકરાશે, તો તે ઘટના ડિસેમ્બર 2032માં થવાની સંભાવના છે. આ ટકરાવથી ઉત્પન્ન થતી ઊર્જા હિરોશિમા પર ફેંકાયેલા પરમાણુ બોમ્બથી લગભગ 400 ગણું વધુ હશે. તેમ છતાં, ચંદ્રની કક્ષા અથવા પૃથ્વી પર કોઈ મોટો અસર નહીં પડે.

આ ટકરાવ દરમિયાન એક તેજસ્વી ફ્લેશ જોવા મળી શકે છે, જે પૃથ્વી પરથી પણ નજરે પડી શકે. સંભાવના છે કે આ ટકરાવ ચંદ્રના પૃથ્વી તરફના ભાગ પર થાય, જેની શક્યતા આશરે 86 ટકા ગણવામાં આવી છે. જો ભવિષ્યમાં જોખમ વધતું જણાશે, તો વૈજ્ઞાનિકો પાસે એસ્ટેરોયડની દિશા બદલવા માટેની તકનીક ઉપલબ્ધ છે. જરૂર પડે તો તેને કોઈ અન્ય અવકાશીય પદાર્થ સાથે ટકરાવી તેની દિશા બદલી શકાય.

આ પણ વાંચોઃ હિંદુ પરિવારોને ઘરમાં બંધ કરીને લગાવી આગ અને પછી....હુમલાનો આ VIDEO હચમચાવી દેશે


  • Follow us on: