વૈશ્વિક સ્તરે આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલી ઘણી મહિલાઓ અને બાળકો સહિત 19 ઓસ્ટ્રેલિયન નાગરિકો સીરિયાથી ઓસ્ટ્રેલિયા પરત ફર્યા છે. આ નાગરિકોના આગમન સાથે જ ઓસ્ટ્રેલિયાના પ્રખ્યાત શહેરો મેલબર્ન અને સિડનીમાં સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા સરકારે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જે પણ લોકોએ સીરિયામાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરી છે, તેમની સામે કાયદા હેઠળ કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
માહિતી અનુસાર, સીરિયાથી પરત ફરેલા આ જૂથમાં ૭ મહિલાઓ અને ૧૨ બાળકો સામેલ છે, જેઓ કતાર એરવેઝની ફ્લાઇટ દ્વારા સ્વદેશ પહોંચ્યા છે. મંગળવારે બે અલગ-અલગ વિમાનો મેલબર્ન અને સિડની એરપોર્ટ પર ઉતર્યા હતા. આ અગાઉ આશરે ત્રણ સપ્તાહ પહેલા પણ ૧૩ લોકોનું આવું જ એક જૂથ ઓસ્ટ્રેલિયા પાછું આવ્યું હતું, જેના પર સરકાર અને સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે.
એરપોર્ટ પર ઉતરતા જ તપાસ શરૂ
ઓસ્ટ્રેલિયન પોલીસ અને ગુપ્તચર એજન્સી (ઇન્ટેલિજન્સ) દ્વારા જારી કરાયેલા સંયુક્ત નિવેદન અનુસાર, ૭ બાળકો અને ૨ મહિલાઓ મેલબર્ન પહોંચ્યા હતા, જ્યારે તેના લગભગ એક કલાક પછી ૬ બાળકો સાથે ૪ મહિલાઓ સિડની એરપોર્ટ પર ઉતરી હતી. એજન્સીઓએ જણાવ્યું છે કે એરપોર્ટ પર ઉતરતાની સાથે જ કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી કે તુરંત કોઈ આરોપો ઘડાયા નથી, પરંતુ સીરિયામાં રહીને તેમણે કરેલી તમામ પ્રવૃત્તિઓની અત્યંત ઝીણવટભરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલા પરત ફરેલી ૪ મહિલાઓમાંથી ૩ મહિલાઓ પર આતંકવાદ અને ગુલામી સાથે જોડાયેલા ગંભીર ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યા હતા અને તેઓ હાલ જેલમાં બંધ છે.
ગુનેગારો પર થશે કડક એક્શન
ઓસ્ટ્રેલિયાના ગૃહ પ્રધાન (Home Affairs Minister) ટોની બર્કે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું છે કે, જે લોકોએ ભૂતકાળમાં ગુના કર્યા છે તેઓ કાયદાની પકડમાંથી બચી શકશે નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારે આ જૂથને ઓસ્ટ્રેલિયા પાછા લાવવામાં કોઈ પણ પ્રકારની આર્થિક કે કૂટનીતિક સહાય આપી નથી અને ભવિષ્યમાં પણ આવી કોઈ મદદ આપવામાં આવશે નહીં.
ગૃહ પ્રધાને ઉમેર્યું કે, 'આ એવા લોકો છે જેમણે પોતે એક ખતરનાક આતંકવાદી સંગઠનમાં જોડાવાનો ભયાનક નિર્ણય લીધો હતો અને પોતાના નિર્દોષ બાળકોને અસહ્ય પરિસ્થિતિમાં ધકેલી દીધા હતા.' ઓસ્ટ્રેલિયન કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓ વર્ષ ૨૦૧૪ થી જ આવા શંકાસ્પદ નાગરિકોની સંભવિત વાપસી માટેની વ્યુહરચના અને મોનિટરિંગ પ્લાન પર કામ કરી રહી છે. સરકાર માટે ઓસ્ટ્રેલિયન સમાજ અને દેશની આંતરિક સુરક્ષા જ સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ પણ વાંચો:Monsoon 2026: કેરળમાં ચોમાસાનું વહેલું આગમન ટળ્યું,જાણો ક્યારે મળશે કાળઝાળ ગરમીમાંથી રાહત?